હેં ભગવાન આવું મોત આપ્યું બાળકોને? ગાંધીધામની ઘટનાએ મા-બાપને નિઃસાસા નાખતા કરી દીધા

ભુજઃ દિવસરાત મજૂરી કરી પેટયું રડતા મા-બાપ પોતાના સંતાનોના હસતા ચહેરા જોઈ ખુશ થતાં હોય છે, પણ ભગવાન પણ ગરીબો પર જ રૂઠ્તો હોય તેમ ગાંધીધામના એક શ્રમિક દંપતીને એવું દુઃખ આપી દીધું છે કે તેઓ જીવનભર નિસાસા જ નાખશે.
પૂર્વ કચ્છના ગાંધીધામ શહેર ખાતે આવેલા અપના નગર વિસ્તારમાં રમતા રમતા પાણીના ખુલ્લા ટાંકામાં પડી જતાં સુનિલ રાહુલ રાજપુત (ઉ.વ.૮) તથા પૃથ્વીસિંહ રાહુલ રાજપુત (ઉ.વ.૫) નામના બે સગા ભાઈઓના એકીસાથે ડૂબી જવાથી મોત નિપજતાં અરેરાટી પ્રસરી ગઈ હતી. કાળજું કંપાવી દેનારી આ ગોઝારી દુર્ઘટના અંગે જાણવા મળેલી વિગતો અનુસાર, શહેરના અપના નગર વિસ્તારમાં ગણપતી મેદાન પાછળ ગત બુધવારની મોડી સાંજના અરસામાં આ કરુણ બનાવ બન્યો હતો.
અહીં નવા બની રહેલાં મકાનના ચોકીદાર તરીકે ફરજ બજાવી રહેલા રાહુલ રાજપુત નામનો યુવાન અને તેનો પરિવાર અહીં રહેવા આવ્યો છે. ગઈકાલે સાંજે આ યુવાનના બે માસુમ બાળકો સુનિલ અને પૃથ્વીસિંહ બાંધકામના સ્થળ આસપાસ રમતા હતા. રમતા રમતા તેઓ પાણીના ખુલ્લા ટાંકામાં પડ્યા હતા. પહેલા એક ભાઈ પડ્યો અને પછી બીજો ભાઈ પણ તેને ડૂબતો જોઈ બચાવવા ગયો ને બન્ને ડૂબી ગયા. હજુ તો કોઈ સમજીને કંઈ કરે તે પહેલા બન્ને ભાઈઓ ડૂબી ગયા હતા.
| Also Read: મુંબઇ પર કુદરત રૂઠી, ભારે વરસાદથી જનજીવન ખોરવાયુ
એકસાથે બે પુત્રો ગુમાવનારા શ્રમિક યુવાનના પરિવાર ઉપર આભ ફાટી પડયું છે. કરુણાંતિકા અંગે પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. બાંધકામ સહિતના તમામ ઉદ્યોગના મજૂરો અને તેમના પરિવારની સુરક્ષા અને સુવિધાઓ માટે સરકારે ખાસ નિયમો બનાવ્યા છે, પરંતુ આપણે જોઈએ છે તેમ મોટા ભાગની સાઈટ આપપાસ આ પરિવારો રહેતા હોય છે અને તેમના બાળકો પ્રાથિમક સુવિધા અને શિક્ષણથી વંચિત રહેતા હોય છે.