દ્વારકાના શિવરાજપુર બીચ પર દુર્ઘટના, પેરાગ્લાઇડિંગ કરી રહેલો યુવક પટકાયો
ગુજરાતના દ્વારકામાં આવેલા શિવરાજપુર બીચ પર દૂરદૂરથી સહેલાણીઓ હરવાફરવા માટે આવતા હોય છે. બ્લુ ફ્લેગ મળ્યા બાદ રજાના દિવસોમાં આ બીચ પર પ્રવાસીઓનો ખૂબ ધસારો જોવા મળતો હોય છે. જો કે હાલમાં આ બીચ હાલમાં એક દુર્ઘટનાના કારણે ચર્ચામાં છે.
બીચસાઇડ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં ભાગ લેતા પ્રવાસીઓ માટે ક્યારેક આ પ્રવૃત્તિઓની મજા એ સજા પણ બની જતી હોય છે. શિવરાજપુર બીચ પર પેરાગ્લાઇડિંગ કરતી વખતે એક યુવક નીચે પટકાયો હોવાની ઘટના બની છે. આમ તો આ ઘટનામાં યુવકને સામાન્ય ઇજા પહોંચી છે પરંતુ આ ઘટનાને પગલે બીચસાઇડ સ્પોર્ટ્સ એક્ટિવિટીઝમાં ભાગ લેતા પ્રવાસીઓ માટે જાણે એક ખતરાની ઘંટડી વાગી છે.
આ યુવક પેરાગ્લાઇડિંગ કરતી વખતે થોડે ઉપર ગયો હતો, થોડીવાર હવામાં રહ્યા બાદ અચાનક પેરાશૂટ સહિત તે નીચે પટકાયો હતો. તેનો પેરાગ્લાઇડિંગનો વીડિયો તેની માતા ઉતારી રહી હતી. તેને નીચે પડતો જોઇ તે પણ આઘાતમાં આવી ગઇ હતી. યુવકની માતા બૂમાબૂમ કરતા અન્ય પ્રવાસીઓ યુવકની આસપાસ આવીને એકઠા થઇ ગયા હતા. એ પછી યુવકને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો હતો.
કેટલાક મીડિયા અહેવાલો મુજબ એવો પણ દાવો કરાઇ રહ્યો છે કે પેરાગ્લાઇડિંગ સહિતની જે દરિયાઇ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓ શિવરાજપુર બીચ પર થાય છે તે ગેરકાયદે છે. આથી આ પ્રવૃત્તિઓમાં સુરક્ષાના સાધનો વપરાતા નથી, જેને પગલે પ્રવાસીઓના જીવ સાથે અવારનવાર રમત રમાય છે.