આપણું ગુજરાત

આજે મધરાતે રૂપાલ ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેશે, જાણો આ અનોખી પરંપરા વિષે

આજે આસો સુદ નોમના છે એટલે કે નવરાત્રીનો છેલ્લો દિવસ. ખેલૈયાઓ ગરબે ઝૂમતા હશે ત્યારે આજે મધરાત બાદ ગાંધીનગરના રૂપાલ ગામની શેરીઓમાં રીતસર ઘીની નદીઓ વહેશે. વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે આજે રાત્રે પણ વરદાયિની માતાજીની પલ્લી ભરાશે જેમાં માતાજીને લાખો કિલો ઘી ચડાવવામાં આવશે.

ગાંધીનગર જીલ્લામાં આવેલા રૂપાલમાં યોજાતા પલ્લી મેળાનું અનોખું મહાત્મ્ય છે. છેલ્લા ઘણાં દાયકાઓથી ગામમાં આવેલા વરદાયિના મંદિરમાં પલ્લી પર લાખો કિલો ઘી ચડાવવામાં આવે છે. જેના કારણે ગામની શેરીઓમાં ઘીની નદીઓ વહેવા લાગે છે. આજે પણ આસો સુદ નોમની મધરાતે માતાજીની પલ્લી ભરાશે, જેના દર્શન માટે લાખો માઈભક્તો ઉમટી પડશે. માન્યતા મુજબ મહાભારત કાળથી આ પરંપરા ચાલતી આવે છે.

આ વર્ષની પલ્લીમાં 12 લાખથી વધુ ભક્તો દર્શન કરવા આવે તેવી શક્યતા છે. જેને ધ્યાનમાં લઈને ગાંધીનગર જિલ્લા પોલીસે રૂપાલ અને આસપાસના વિસ્તારોમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. પોલીસની સાથે SRP જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

એક અંદાજ મુજબ આ વર્ષે વરદાયિની માતાજીની પલ્લી પર 5 લાખ કિલો ઘીનો અભિષેક થઈ શકે છે. નોંધનીય છે કે અંબાજીમાં ભેળસેળિયા ઘીથી બનતા પ્રસાદનો વિવાદ હજુ તાજો છે, ત્યારે રૂપાલમાં પલ્લીના મેળામાં ઘીની ચકાસણી માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

માન્યતા મુજબ દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસમાં જતા પહેલા માતાજીના દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાના શસ્ત્રો છુપાવ્યા હતા. યુદ્ધ જીત્યા બાદ આસો સુદ નોમના દિવસે પાંડવોએ કૃષ્ણ અને દ્રોપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી તેના ઉપર પાંચ કુંડની સ્થાપના કરી ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલિ યજ્ઞ કર્યો હતો, ત્યારથી આ પરંપરા ચાલી આવે છે. પરંપરા મુજબ પલ્લીની શરૂઆત ગામના વણકર ભાઈઓ દ્વારા થાય છે. પલ્લી બનાવવા માટે વણકર ભાઈઓ ખીજડાનું લાકડું કાપીને લાવે છે. ત્યારબાદ સુથાર ભાઈઓ પલ્લી બનાવે છે. વાણંદ ભાઈઓ વરખડાના સોટા પલ્લીને બાંધે છે. કુંભાર ભાઈઓ કુંડા બનાવે છે અને મુસ્લિમ સમાજના પિંજારા ભાઈઓ કુંડામાં કપાસ પૂરે છે. જ્યારે પટેલ સમાજના લોકો પલ્લીની પૂજા આરતી કરી કૂંડામાં અગ્નિ પ્રગટાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button