સુરતના ઉધના સ્ટેશન પર હજારો શ્રમિકો ઉમટી પડ્યા, પશ્ચિમ રેલવેએ સ્પેશિયલ ટ્રેન રવાના કરી

સુરતઃ સુરતના ઉધના રેલવે સ્ટેશન(Udhana Railway station) પર પરપ્રાંતિય શ્રમિકોની ભારે ભીડ ઉમટી પડી છે. દૈનિક મજૂરીની અછતને કારણે હજારો શ્રમિકો ઉત્તર પ્રદેશ અને બિહારના પોતાના વતન તરફ જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી રહ્યા છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ વધુ એક સ્પેશિયલ ટ્રેન મોકલવાનો નિર્ણય લીધો છે.
આ સ્પેશિયલ ટ્રેન અનરિઝર્વ્ડ કેટેગરીની છે. ટ્રેન 15 એપ્રિલે બપોરે 3 વાગ્યે વલસાડથી ઉપડશે અને પછી સુરતના ઉધના પહોંચશે, ત્યાંથી ટ્રેન વડોદરા થઇને મધ્યપ્રદેશ અને યુપી થઈને અને થઈને બિહાર જશે. ભીડને કાબૂમાં લેવા માટે મુંબઈ વિભાગના અધિકારીઓએ ઉધના સ્ટેશનની મુલાકાત લેવી પડી હતી.
આ સ્પેશિયલ ટ્રેન વલસાડથી રવાના થયા બાદ સુરતના ઉધના રેલ્વે સ્ટેશન, સુરત, અંકલેશ્વર, ભરૂચ, વડોદરા, રતલામ જંકશન, નાગદા જંકશન, ઉજ્જૈન, મક્સી જંકશન, સંત હિરદારામ નગર, બીના, સાગર, દમોહ, કટની મુદ્વારા, સતના, માણિકપુર જંકશન, પ્રયાગરાજ છીકી, દીન દયાલ ઉપાધ્યાય જંક્શન, બક્સર, અરાહ જંક્શન, પાટલીપુત્ર જંક્શન, હાજીપુર, મુઝફ્ફરપુર અને સમસ્તીપુર જંક્શન પર રોકાશે.
આપણ વાંચો: મુંબઈના હેરિટેજ સ્ટેશન સીએસએમટીમાં પર્યાપ્ત શૌચાલય નહીં, પ્રવાસીઓ નારાજ
સુરતના ઔદ્યોગિક વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતિય શ્રમિકોને તેમના ગંતવ્ય સ્થાને સુરક્ષિત રીતે પહોંચાડવા માટે પશ્ચિમ રેલવે દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે અધિકારીના જણાવ્યા મુજબ શ્રમિકો અને વેકશનમાં ફરવા જતા મુસાફરોને કારણે ટ્રેનો પર બેવડું દબાણ છે. તેમ છતાં, રેલવે શક્ય તેટલી વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો પ્રયાસ કરી રહી છે. આગામી દિવસોમાં પશ્ચિમ રેલવે દ્વારા કેટલીક વધુ ટ્રેનો ચલાવવામાં આવે તેવી શક્યતા છે.
સુરતમાંથી શ્રમિકોનું ‘પલાયન’ દૈનિક મજૂરીની અછતને કારણે થઇ રહ્યું છે. સુરત કાપડ ઉત્પાદન કરતું ટોચનું શહેર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી માંગ ઓછી હોવાના કારણે ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 1 એપ્રિલથી, સાડી બનાવતી લૂમ (ફેક્ટરી) અઠવાડિયામાં માત્ર 3 દિવસ કામ કરી રહી છે. વેતનમાં ઘટાડો થવાને કારણે તેમનું જીવવું મુશ્કેલ બની ગયું છે. બીજી તરફ લૂમ માલિકોએ પણ કામદારોને રજા પર જવાની સલાહ આપી હતી.