વડોદરામાં થઈ રહ્યો છે આ નવતર પ્રયોગ…

વડોદરા શહેરમાં સોલાર એનર્જીનો ભરપૂર ઉપયોગ થાય છે. અહીં મોટા ભાગના ઘરોની છત પર તમને સોલાર પેનલ દેખાશે. અહીંનું સ્થાનિક તંત્ર પણ સોલાર એનર્જીનો ઉપયોગ કરે છે ત્યારે હવે વધુ એક પ્રયોગ થઈ રહ્યો હોવાની માહિતી મળી છે. શહેરમાં મૂકવામાં આવેલા સીસીટીવી કેમેરાને પણ સોલાર એનર્જીથી ચલાવવાની વાત ચાલી રહી છે અને આ માટે સંસોધન થઈ રહ્યા છે.
હાલ કોર્પોરેશન દ્વારા જે સીસીટીવી કેમેરા છે તે પોલ ઉપર મૂકવામાં આવ્યા છે. આ કેમેરા સતત ચલાવવા માટે ફાઇબર નેટવર્ક ઊભું કરવું પડે, વાયરીંગ કરવું પડે, કેમેરાને પાવર સપ્લાય કરવો પડે, મીટર મૂકવા પડે આ બધી પ્રક્રિયામાં ખર્ચ પણ ખૂબ થાય છે, પરંતુ જો સોલર થી ચલાવવામાં આવે તો બધી પ્રક્રિયામાંથી મુક્તિ મળી જાય ખર્ચ પણ ઘટી જાય. હાલ શહેરમાં સીસીટીવીના પોલ પર સોલર પેનલ મુકેલી છે, તે વડાપ્રધાનના વડોદરામાં આગમન સમયે રાખવામાં આવી હતી. જે કેમેરા મુકેલા છે તે 25 થી 30 મીટર સુધીનું રીડિંગ કરી શકે છે, પરંતુ શહેરમાં ખાસ તો ક્રાઇમ અને સિવિક બાબતોનું નિરિક્ષણ કરવાનું હોય ત્યારે હાઈ રીઝોલ્યુશન કેમેરા સાથે વધુ વોટની પેનલ હોવી જરૂરી બને છે.
વાહનોના નાનામાં નાના નંબર પણ વાંચી શકે તે મુજબ કેમેરા પણ હોવા જોઈએ. જોકે તમામ કેમેરાને સોલર પેનલ લાગી શકતી નથી. સીસીટીવી કેમેરા સોલર દ્વારા ચલાવવા માટે જે સંશોધન કાર્ય ચાલુ જ છે, તેમાં હજી વધુ સંતોષજનક સકારાત્મક પરિણામ મળે તો ટેન્ડર પ્રક્રિયા પણ કરવામાં આવશે.
ગુનાઓ શોધવામાં સીસીટીવી કેમેરા ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ સીસીટીવી કેમેરા જો સોલાર એનર્જીથી ચાલે તો ખર્ચ ઓછો આવે અને કુદરતી સ્ત્રોતનો ઉપયોગ થઈ શકે.