સુરતમાં બ્રિજની અંદર બસ ફસાવાના વાઇરલ વીડિયોનું આ છે સત્ય! મીડિયા સહિત તમામ થાપ ખાઇ ગયા…

એક કથિત ‘જાગૃત’ નાગરિકે બસનો વીડિયો સો. મીડિયામાં વાઇરલ કર્યો, અને ગુજરાતી મીડિયા સહિત ભલભલા નેતાઓ થાપ ખાઇ ગયા! બેજવાબદારીપૂર્વકના પત્રકારત્વનું વરવું ઉદાહરણ..
સોશિયલ મીડિયા પર તાજેતરમાં સુરતનો એક વીડિયો ખૂબ જ વાઇરલ થયો હતો જેમાં એક બ્રિજ પર એસટી બસ ડ્રાઇવર ભારે જહેમતપૂર્વક બસને રિવર્સ લેવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વાઇરલ વીડિયોને અઢળક લોકોએ શેર કરી તંત્રને માથે માછલા ધોયાં હતા, કેટલાકે ભ્રષ્ટાચારની બૂમરાણ કરી પુલની બનાવટમાં ખામી હોવા અંગે હોબાળો પણ મચાવ્યો, પરંતુ હવે ખુલાસો થયો છે કે ખરેખર તો ઘટનામાં બસચાલકે જ મોટી ભૂલ કરી હતી જેને પરિણામે તેણે બસ રિવર્સમાં લેવી પડી હતી.

સુરતમાં ચીકુવાડી વાઇરલ વીડિયોનું સત્ય એ છે કે આ બ્રિજ પર પહેલેથી જ બોર્ડ લગાવેલું છે કે ભારે વાહનોની પ્રવેશબંધી છે. બસ, ટ્રક જેવા કોઇપણ ભારે વાહનોએ આ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેતો નથી. સાઇનબોર્ડ લગાવેલું હોવા છતાં એસટી બસના ડ્રાઇવરે તેને ધ્યાનમાં લીધું જ નહિ અને બ્રિજ પરથી બસને લઇ જવાની ભૂલ કરી બેઠો. કથિત ‘જાગૃત’ નાગરિકે આખી ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો અને તંત્ર પર બૂમો પાડી હંગામો મચાવવાનું શરૂ કર્યું, એ એટલે સુધી કે મ્યુનિસિપાલિટીના પૂર્વ કાઉન્સીલરે પણ વીડિયો શેર કરી ભ્રષ્ટાચારની બૂમાબૂમમાં પોતાનો સૂર પુરાવ્યો!
સુરતની આ વીડિયોની ઘટના બેજવાબદારીપૂર્વક પત્રકારત્વનું પણ વરવું ઉદાહરણ છે.
આવી ઘટનાઓને કારણે મોટેઉપાડે રોજ સાંજ પડ્યે ડિબેટમાં રાજકીય ઘટનાઓના વિશ્લેષણને નામે રાડરાડ મચાવતા અનેક કહેવાતા ‘નિષ્પક્ષ’ મીડિયામાં વાઇરલ વીડિયોને ફેક્ટ ચેક કરવાની સામાન્ય બુદ્ધિ પણ નથી એ સાબિત થયું.


કોઇ જ પ્રકારની ચકાસણી વગર ડિજીટલ મીડિયાએ તેમના પોર્ટલ્સમાં તેને પબ્લિશ કરી દીધો, પત્રકારોએ તેમના પર્સનલ એકાઉન્ટ્સ પર પણ મફતિયા પબ્લિસીટી મેળવવા તેને બેફામપણે શેર કર્યો. પણ ગુજરાતની જનતા બધું જાણે છે અને બધું સમજે છે. આખરે વાઇરલ વીડિયોનું સત્ય બહાર આવી ગયું અને ‘પ્રજા માટે ચિંતિત’ લોકો ખરેખર કેટલા પાણીમાં છે એ પણ છતું થયું.