2 કરોડ રોકડા ભરેલી વાન લઇને ચોર છુમંતર! ડ્રાઇવર અને ગાર્ડ ચા પીવા ઉતર્યા અને ખેલ થઇ ગયો..

કચ્છ: ગાંધીધામમાં ATM વાનના ડ્રાઇવર અને ગાર્ડ દ્વારા એક મોટી ભૂલ થઇ છે, જેનું પરિણામ ભોગવવું તેમને આકરું પડશે. આ બાજુ ATM વાનના ડ્રાઇવર અને ગાર્ડ ચા પીવા માટે ઉતર્યા અને બીજી બાજુ એક અજાણ્યો શખ્સ રૂપિયા 2 કરોડની રોકડ ભરેલી કેશ વાનને લઇને ફરાર થઇ ગયો.
ગાંધીધામના બેંકિંગ સર્કલ પાસે બનેલી અત્યંત ચકચારી આ લૂંટની ઘટનામાં તાત્કાલિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો. પોલીસકર્મીઓએ વાનનો પીછો પણ કર્યો હતો, વાન ચલાવનાર શખ્સને પાછળથી પોલીસની ગાડી આવતી જોઇને વાન એક સ્થળે ઉભી રાખી હતી અને ધરપકડના ડરથી નાસી ગયો હતો. પોલીસે કેશ કબજે કરી આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલ આરોપી પોલીસ પકડથી દૂર છે.
ગાંધીધામને કચ્છની ઔદ્યોગિક રાજધાની કહેવાય છે. આર્થિક દ્રષ્ટિએ તે મોટું મહત્વ ધરાવે છે. તે બંદરગાહથી નજીક હોવાના કારણે પણ ઘણા નાણાકીય વ્યવહારોનું કેન્દ્ર બને છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી અટકાવવા પોલીસે કાયદો અને વ્યવસ્થા કડકપણે જળવાય તે દિશામાં કામ કરવું જોઇએ.
આ કિસ્સામાં જો કે પોલીસની સતર્કતા હતી, તેમજ આરોપી પોતે વાન છોડીને નાસી ગયો હતો, જો કોઇ રીઢો ગુનેગાર તેમજ તાલીમ પામેલી ગેંગ દ્વારા આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોત તો શક્ય છે કે વાન મળી શકી ન હોત. આ ઉપરાંત વાનચાલક તથા ગાર્ડની ભૂમિકા પણ બેજવાબદાર અને શંકાસ્પદ જણાઇ રહી છે. આ ભૂલ બદલ બેંક તેમની સામે પગલા લે તેવી ઘણી શક્યતાઓ છે.