આપણું ગુજરાત

ઉત્તરાયણમાં પક્ષીઓની સેવામા આટલા તબીબો-સ્વયંસેવકો રહેશે ખડેપગે, તમે શું કરશો?

ગાંધીનગરઃ રાજ્યભરમાં અત્યારથી જ આકાશમાં પતંગો ચગી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં લોકોએ ધાબા પર જઈ પતંગો ચગાવવા અને ઊંધીયું-જલેબી ઝાપટવાના પ્રોગ્રામ બનાવી લીધા છે, પરંતુ આપણી આ બેજવાબદારી અને સંવેદનાવિહીન મજા હજારો પક્ષીઓ માટે સજા બને છે અને તેમના મોતનું કારણ બને છે.

રાજ્ય સરકારો અને જીવદયાપ્રેમીઓ વારંવાર કહે છે પરંતુ લોકો કાંચવાળો જીવલેણ માંજો વાપરે છે અને પક્ષીઓ નહીં રસ્તે જતા લોકોના પણ ગળા ચિરાઈ જાય છે. આ સ્થિતિમાં વેટરીનરી ડોક્ટર્સ અને સ્વયંસેવકોની જવાબદારી ખૂબ જ વધી જાય છે. રાજ્યમાં આ માટે કરૂણા અભિનયા ચલાવવામાં આવે છે.

ઉત્તરાયણના પર્વ નિમિત્તે ગુજરાતમાં ૯૦૦થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો, ૭૫૦થી વધુ વેટરનિટી તબીબો તેમજ ૭૭૦૦થી વધુ રાજ્યના સેવાભાવી સ્વયંસેવકો આ કરૂણા અભિયાનમાં સહભાગી થશે. આ માટે એક ફોન નંબર પણ આપવામાં આવ્યો છે. પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર વોટ્સઅપ કરી મેળવી શકાશે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે ૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી – ર૦ર૪ સુધી ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગ દોરાથી પક્ષીઓને ઘાયલ થતા બચાવવા અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે ચાલી રહેલા રાજ્યવ્યાપી કરૂણા અભિયાન અંતર્ગત અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં કાર્યરત વાઇલ્ડ લાઇફ કેર સેન્ટરની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન વાઈલ્ડ લાઈફ કેર સેન્ટરમાં ઓપરેશન થિયેટર, ઓપીડી, એક્સરે રૂમ તથા વાઈલ્ડ લાઈફ કેર સેન્ટર દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

૨૦૧૭ થી ચાલી રહેલા આ અભિયાનમાં અત્યાર સુધીમાં હજારો ઘાયલ પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. તા.૧૦ થી ૨૦ જાન્યુઆરી દરમિયાન સુધી ચાલી રહેલા આ અભિયાનને સફળ બનાવવા પશુપાલન, વન વિભાગ, મહાનગરપાલિકાઓ અને વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ સહભાગી બની છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તરાયણ પર્વ દરમ્યાન પતંગની દોરીથી કોઇ અબોલ પક્ષી-પશુ ઘાયલ ન થાય તેની પૂરતી સતર્કતા સાથે ૧૦મી જાન્યુઆરીથી ર૦મી જાન્યુઆરી-ર૦ર૪ દરમ્યાન રાજ્યવ્યાપી કરૂણા અભિયાન યોજાઈ રહ્યું છે.

આ અભિયાનના દિવસો દરમ્યાન સમગ્ર રાજ્યમાં દરરોજ સવારે ૭ થી સાંજે ૬ કલાક સુધી તમામ તાલુકાઓમાં વન વિભાગ દ્વારા કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

વોટ્સએપ ૮૩૨૦૦૦૨૦૦૦ ઉપર મેસેજ કે મિસ કોલ કરો ત્યારબાદ એક લિંક પ્રાપ્ત થશે અને એ વેબસાઇટ ઉપર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો મળી શકશે.

એટલું જ નહીં વનવિભાગના હેલ્પ લાઇન નંબર ૧૯૨૬ તેમજ પશુપાલન વિભાગના હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ ઉપર ઘાયલ પક્ષીઓની સારવાર માટે મદદ લઇ શકાશે.

ઉત્તરાયણ દરમ્યાન જો કોઇ પક્ષી ઘાયલ થાય તો તેની સારવાર માટે રાજ્યભરમાં આ વર્ષે ૯૦૦થી વધુ પક્ષી નિદાન સારવાર કેન્દ્રો, ૭૦૦થી વધારે વેટરનિટી તબીબો તેમજ ૭૭૦૦થી વધુ સેવાભાવી સ્વયંસેવકો સેવારત રહેવાના છે. ગયા વર્ષે કુલ ૧૩,૦૦૮ પક્ષીને રેસ્ક્યુ કરવામાં આવ્યા હોવાની માહિતી રાજ્ય સરકાર આપી રહી છે.

સરકાર અને સંસ્થાઓ જ્યારે આટલી જહેમત ઉઠાવતી હોય ત્યારે આપણી પહેલી ફરજ છે કે આપણે આવા જીવલેણ દોરાનો ઉપયોગ ન કરીએ. આ સાથે જો કોઈ ઘાયલ પક્ષીને જોઈએ તો શક્ય હોય તો તેની સારવાર કરીએ અથવા હેલ્પલાઈન નંબર પર ફોન કરી મદદ કરીએ.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત