પ્રેમની જેમ શક કરવાની પણ કોઈ ઉંમર નથી હોતીઃ 70 વર્ષના પતિને શંકા થઈ ને…
અમદાવાદઃ આમ તો સાચો પ્રેમ ત્યાં જ હોય જ્યાં વિશ્વાસ હોય, પરંતુ સંબંધોમાં ઘણીવાર વિશ્વાસ ઓછો થઈ જતો હોય છે. ખાસ કરીને પતિ-પત્નીના સંબંધોમાં આ વધારે બનતું હોય છે.
યુવાન કે આધેડ વયના પતિ કે પત્નીને કોઈ અન્ય સ્ત્રી કે પુરુષ સાથે પ્રેમસંબંધ હોવાની શંકમાં દેશમાં કેટલાય લગ્નો તૂટી જાય છે, પરિવારો વિખાય જાય છે, મારપીટ ને રોજના ઝગડા થાય છે અને ઘણીવાર સામા પાત્રની હત્યા પણ થતી હોય છે. જોકે અમદાવાદમાં આવા જ એક કેસમાં પતિએ પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડ્યું હતું.
ઘટના જાણે એમ બની કે એક 65 વર્ષની મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે તેમની કારમાં કોઈએ જીપીએસ સિસ્ટમ ફીટ કરી છે અને કોઈ તેમને ટ્રેક કરી રહ્યું છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી ત્યારે તેમણે શબ્બીર નામના એક 70 વર્ષીય પુરુષની પૂછપરછ કરી. આ પુરુષ મહિલાનો પતિ જ નીકળ્યો જોકે છેલ્લા પાંચ વર્ષથી બન્ને સાથે રહેતા નથી અને છૂટાછેડા માટે તેમણે કેસ પણ ફાઈલ કર્યો છે.
પતિએ સ્વીકાર્યું અને કહ્યું કે તે પત્નીના ચારિત્ર્ય પણ શક કરતો હતો અને આથી તેના પર નજર રાખવા તેણે આમ કર્યું હતું. આ સાથે તેમણે એમ પણ કહ્યું કે દીકરો વારંવાર પૈસાની માગણી કરતો હોવાથી તેના વાહનમાં પણ જીપીએસ ડિવાઈસ ફીટ કર્યો હતો. પતિ ટૂર ઑપરેટર છે અને પોતાના વાહનોમાં જીપીએસ ફીટ કરતો જ હોય છે. તેણે પત્નીની ગેરહાજરીમાં પોતાના કર્મચારીની મદદથી આમ કર્યાનું સ્વીકાર્યું હતું. પોલીસે આગળની કાર્યવાહી ધરી છે.