પત્ની જેમને પાણીનો ગ્લાસ નથી આપતી તે મને સલાહ આપે છેઃ નીતિન પટેલ કોની સામે ભડક્યા

અમદાવાદઃ ગુજરાત ભાજપમાં પણ આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે અને તેની સાબિતી રોજરોજ મળી રહી છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન રહી ચૂકેલા નીતિન પટેલે તાજેતરમાં તેમના જ પક્ષના વિધાનસભ્યને ઝાટક્યા હોવાનું બહાર આવ્યું છે. જોકે તેમણે નામ લીધું નથી, પરંતુ પટેલે તેમને ખરીખોટી કહેતા મામલો વધારે ગંભીર બને તેવી શક્યતા છે.
મહેસાણામાં એક કાર્યક્રમમાં નીતિન પટેલે પક્ષમાં જ રહેલા પોતાના વિરોધીઓ પર કથિત નિશાન સાધતા કહ્યું કે જે લોકોનું ઘરમાં પત્ની પણ સાંભળતી નથી, તે લોકો અમને સલાહ આપવા બહાર આવ્યા છે. તેમનો કહેવાનો અર્થ હતો કે સામેવાળી વ્યક્તિમાં સલાહ આપવાની ક્ષમતા હોવી જોઈએ. તેમણે કહ્યું કે સલાહ આપવી દરેક વ્યક્તિનો અધિકાર છે.
આપણ વાંચો: ભાજપે ગુજરાતની તમામ સીટો માટે ઉમેદવારો કર્યા ફાઈનલ, નવી યાદીમાં આ 6 નેતાઓના નામ જાહેર
મને બધી ખબર છે. હું દરેક કામમાં અનુભવી છું, પરંતુ હું બધા કામમાં નિષ્ણાત નથી, આથી સલાહકારની ક્ષમતા પણ જોવી જોઈએ. જો કોઈ વરિષ્ઠ પ્રોફેસર છે અને મને કંઈક લખવાની સલાહ આપે છે, તો તે સારું છે. હું આરોગ્ય મંત્રી છું અને જો કોઈ ડૉક્ટર મને સલાહ આપે કે નીતિન ભાઈ આ આરોગ્ય વિભાગમાં કરો તો ઠીક છે.
તે એવા લોકોને સલાહ આપે છે, પરંતુ એવા લોકો મને સલાહ આપે છે જેમના ઘરમાં પત્ની તેમને એક ગ્લાસ પાણી માટે પણ પૂછતી નથી. પત્નીને પણ ખબર છે કે આ નવરા બેઠા કંઈ કરે તેમ નથી. આવો લોકો જો બીજાને સલાહ ન આપે તો તેમને ઊંઘ પણ આવતી નથી.
હવે રાજકીય વર્તુળોનું માનીએ તો આ વાત નીતિન પટેલે તેમના જ પક્ષના કડીના વિધાનસભ્ય કરસન સોલંકીને કહી છે. તે બન્ને વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે અને કરસન સોલંકીએ નીતિન પટેલ પર આક્ષેપો પણ કર્યા હતા. સોલંકીએ ફરિયાદ કરતા કહ્યું હતું કે નીતિન પટેલન પ્રણામ કરું તો તેઓ સામે પણ જોતા નથી. આથી મેં તેમની સાથે વાત કરવાનુ બંધ કરી દીધું છે. જોકે નીતિન પટેલે કોઈનું નામ ન લીધું હોવાથી તેમનો ઈશારો કોના તરફ હતો તે કહેવું મુશ્કેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પટેલે અગાઉ મહેસાણાની લોકસભાની બેઠક લડવાની તૈયારી બતાવી હતી અને ત્યારબાદ ટિકિટ ઈચ્છુકોમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. નીતિન પટેલની પક્ષ સામેની નારાજગી ઘણીવાર બહાર આવતી હોય છે.