ખેડાના મહુધા તાલુકાની સ્કૂલમાં શિક્ષિકાએ વિદ્યાર્થિનીની ચોટલી કાપી, વાલીઓમાં રોષ

મહુધાઃ ગુજરાતીમાં કહેવત છે કે ‘સોટી વાગે ચમચમ, વિદ્યા આવે ઘમઘમ!’ પણ આજના જમાનામાં એ યથાર્થ ઠરી રહી નથી. પહેલા સ્કૂલના શિક્ષકોનો એવો દબદબો રહેતો કે કોઈ વિદ્યાર્થી ગુસ્તાખી કરવાનું વિચારી શકતો નહીં અને ઘરે ગેરવર્તનની ખબર પડે તો માબાપનો મેથીપાક મળે અલગ. આજે બધુ વિસરાઈ ગયું છે અને શિક્ષકના હાથમાંથી સોટી પણ ગુમ થઈ ગઈ છે તેમ છતાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અપાતી કઠોર સજાના કિસ્સાઓ સામે આવતા રહે છે. તાજેતરમાં ખેડા જિલ્લાની એક સરકારી શાળામાં વિદ્યાર્થિનીને શિક્ષિકાએ તાલિબાની સજા કર્યાની ઘટના સામે આવી છે.
છોકરીની ચોટલી જોઈ શિક્ષિકાને ગુસ્સો આવ્યો
ખેડા જિલ્લાના મહુધા તાલુકાના એક ગામની સરકારી પ્રાથમિક કન્યા શાળાની વાત છે. શાળામાં દરરોજ સવારે પ્રાર્થના દરમિયાન વિદ્યાર્થિનીઓ બે ચોટલી બનાવીને આવી છે કે નહીં તેની તપાસ કરવામાં આવે છે. બુધવારની સવારે આઠમા ધોરણમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની માથામાં તેલ નાખ્યા વગર તથા બે ચોટલી બનાવવાને બદલે ફક્ત એક ચોટલી બનાવીને આવી હતી, જેથી તેના શિક્ષિકા સંગીતાબેનને ગુસ્સો આવ્યો હતો.
આ પણ વાંચો: સરકારી શિક્ષિકાને પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી ભારે પડી! શિક્ષણ વિભાગે કર્યા સસ્પેન્ડ
કાતરથી ચોટલી કાપી નાખવામાં આવી
ગુસ્સામાં આવેલા શિક્ષિકા સંગીતાબેને વિદ્યાર્થિનીની એક ચોટલી કાતર વડે કાપી નાખી હતી, જેથી વિદ્યાર્થિની પોતાની કપાયેલી ચોટલી સાથે રડતાં-રડતાં ઘરે પહોંચી હતી. તેણે પોતાના માતા-પિતાને આ અંગે વાત કરી હતી. જેથી વિદ્યાર્થિનીના માતા-પિતા શાળાએ પહોંચીને શિક્ષિકા સામે રોષ વ્યક્ત કર્યો હતો.
શિક્ષિકા પાસે લખાવવામાં આવ્યું માફીનામું
શાળામાં થયેલી આ ઘટનાને લઈને આચાર્ય કેતન પટેલે જણાવ્યું હતું કે પ્રાર્થના દરમિયાન શિસ્તના ભાગરૂપે બાળકોની તપાસ કરવામાં આવે છે. આ દરમિયાન કેટલીક વિદ્યાર્થિનીઓ બે ચોટલી બનાવીને આવી ન હતી. તેથી શિક્ષિકાએ કાતર વડે તેમના વાળ કાપવાની ધમકી આપી હતી. પરંતુ ભૂલથી કાતર વડે થોડા વાળ કપાઈ ગયા. વિદ્યાર્થિનીના માતા-પિતાની ફરિયાદના ભાગરૂપે શિક્ષિકા પાસે માફીનામું લખાવવામાં આવ્યું છે.
ગેરવર્તણૂકની નોંધ લઈ ઘટનાની થશે તપાસ
વિદ્યાર્થિની સાથે થયેલી ગેરવર્તણૂકની નોંધ તાલુકા શિક્ષણ અધિકારીએ પણ લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, “સમગ્ર ઘટનાની તપાસ કરીને ડીઈઓ કચેરી ખાતે રિપોર્ટ મોકલવામાં આવશે અને તેના આદેશ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. શાળાના આચાર્યના જણાવ્યાનુસાર, શિસ્તભંગ હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે.”
શિક્ષિકા વિદ્યાર્થિનીની ચોટલી કાપવાનું કબૂલ્યું
ઉલ્લેખનીય છે કે, શિક્ષિકા સંગીતાબેને વિદ્યાર્થિનીની ચોટલી કાપવાનું કબૂલ કર્યું છે. પરંતુ તેઓ આ ઘટના બાદ રજા પર ઉતરી ગયા છે. પોતાની સાથે થયેલી આ ઘટનાને લઈને વિદ્યાર્થિની ગભરાઈ ગઈ છે. અન્ય માતા-પિતાઓને પણ પોતાની દીકરીઓની ચિંતા થઈ રહી છે. તેઓ પીડિત વિદ્યાર્થિની માટે ન્યાયની માંગણી કરી રહ્યા છે.