રિવરફ્રન્ટની રોનક વધશે, ટૂંક સમયમાં મ્યુઝિકલ ફ્લોટિંગ ફાઉન્ટેન શરુ કરશે
અમદાવાદ: અમદવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર લોકોને માટે નવા નવા આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાં વધુ એકનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) એ અટલ ફૂટ ઓવરબ્રિજ પાસે રંગબેરંગી મ્યુઝિકલ ફ્લોટિંગ ફાઉન્ટેન બનાવવાની યોજના બનાવી છે. કોર્પોરેશનને આ પ્રોજેક્ટ માટે રૂ. 6 કરોડ ફાળવ્યા છે.
મળતી માહિતી મુજબ આ ફાઉન્ટેન 20 મીટર પહોળો અને 50 મીટર સુધી લાંબો હશે અને 25 થી 40 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકશે. તેમાં 400 નોઝલ હશે. SRFDCLના સૂત્રોએ જણાવ્યું હતું કે, સાઉન્ડ સિસ્ટમ અને રંગીન લાઇટિંગ હશે, આ તમામને કન્ટ્રોલ રૂમમાંથી નિયંત્રિત અને સંકલિત કરવામાં આવશે.
લાઇટ અને મ્યુઝિક સાથે ફાઉન્ટેન બનાવવા માટે બિડર્સ પાસેથી ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. સાઉન્ડ અને લાઇટ સિસ્ટમ કોન્ટ્રાક્ટનો જ ભાગ હશે. આ પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચ રૂ. 6 કરોડ રાખવામાં આવ્યો છે.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી, હૈદરાબાદ અને ચેન્નાઈ જેવા મોટા શહેરોના હોટસ્પોટ્સ પર સમાન પ્રકારના ફુવારાઓ લોકોને પસંદ પડી રહ્યા છે. હૈદરાબાદમાં ભારતનો સૌથી લાંબો મ્યુઝિકલ ફ્લોટિંગ ફાઉન્ટેન છે. હુસૈન સાગર સરોવરમાં સ્થિત 180x10m ફાઉન્ટેનમાં સંગીત, હાઈ પાવર્ડ નોઝલ અને પાણીની અંદર 880 LED લાઇટની સાથે ક્લાઉડ ઇફેક્ટ બનાવવા માટે ફોગ સિસ્ટમ પણ છે.