અંબાજી મંદિરની નવી વેબસાઇટ થઇ લોન્ચ, ઘરબેઠા મંદિરના ઉત્સવો માણી શકાશે

પાલનપુર: બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને આરાસુરી અંબે માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના વરદ હસ્તે આજે પવિત્ર યાત્રાધામ અંબાજીની નવીનતમ વેબસાઇટ લોન્ચ કરવામાં આવી હતી. www.ambajitemple.in નું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે.
આ વેબસાઇટ વડે વિશ્વભરમાંથી માઇભક્તો મંદિરની અલગ અલગ પૂજાવિધિઓ, દર્શન, આરતી વગેરેનો લાભ મેળવી શકશે. આ વેબસાઇટને પગલે ધર્મ, ટેકનોલોજી અને સંસ્કૃતિનો અનોખો સંયોગ રચાયો છે, વિશ્વભરમાં અંબે માના ભક્તો ટેકનોલોજીના માધ્યમથી મંદિર સાથે જોડાયેલા રહેશે.
આ વબેસાઇટ પર વિવિધ માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવશે જેમ કે મંદિરનો દર્શનનો સમય, શ્રદ્ધાળુઓ માટેની સુવિધાઓ, અખંડ જ્યોતના દર્શન, ઓનલાઇન સુવર્ણદાન, પરિક્રમા ઉત્સવ જેવી વિગતો મળી રહેશે, તેમજ અંબાજીનો પ્રસાદ તથા અન્ય ધાર્મિક ચીજવસ્તુઓ પણ ઓનલાઇન ઓર્ડર આપીને ઘરે મંગાવી શકાય તેવી વ્યવસ્થા ઉભી કરાશે.
બનાસકાંઠાના કલેક્ટર, દાંતા પ્રાંત અધિકારી અંબાજી મંદિર વહીવટદારના માર્ગદર્શન હેઠળ અનેત બેઠકો બાદ બીટા વર્ઝન લોન્ચ થયું છે. પોષી પૂનમ માતાજીના પ્રાગટ્ય દિન અને 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024 પહેલા વેબસાઇટને નવી થીમ અને ટેકનોલોજી સાથે કાર્યરત કરવામાં આવશે.