આ માછલીને ગુજરાત સરકારે રાજ્ય માછલી તરીકે જાહેર કરી
ગુજરાત સરકારે મંગળવારે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઈન્ડિયા 2023ના ઉદ્ઘાટનમાં ‘ઘોલ’ પ્રજાતિને ગુજરાતની રાજ્ય માછલી તરીકે જાહેર કરી હતી. ઘોલ અથવા બ્લેકસ્પોટેડ ક્રોકર (પ્રોટોનીબીઆ ડાયકાન્થસ) એ તેના સ્વિમ બ્લેડરની ઊંચી કિંમતને કારણે એક મૂલ્યવાન ગણવામાં આવે છે, આ માછલીના સ્વિમ બ્લેડર કોલેજનથી ભરપુર છે અને તેનો ઉપયોગ સૌંદર્ય પ્રસાધનોના નિર્માણમાં થાય છે.
અમદાવાદના સાયન્સ સિટી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્ય પ્રધાને ભૂપેન્દ્ર પટેલે આ જાહેરાત કરી હતી, કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગ પ્રધાન પરશોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. કોન્ફરન્સમાં દરમિયાન મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે ગુજરાતની વાર્ષિક માછલીની નિકાસ રૂ. 5,000 કરોડની છે, જે ભારતની માછલીની નિકાસના 17% છે. 2021-22માં ગુજરાતનું માછલીનું ઉત્પાદન 18 લાખ ટન હતું જેમાંથી 2 લાખ ટનની નિકાસ કરવામાં આવી હતી.
મીડિયાને સંબોધતા, પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે રાજ્ય માછલી તરીકેની ઘોષણા ઘોલના સંરક્ષણના પ્રયાસોમાં મદદ કરશે અને પર્સિયન ગલ્ફથી પેસિફિક મહાસાગર સુધી જોવા મળતી ઘોલ વિશે જાગૃતિ વધારવામાં મદદ કરશે.
ઘોલ માછલી સ્વાદિષ્ટ હોવાને કારણે દેશ-વિદેશમાં તેની વધુ માંગ રહે છે. તેના ઔષધીય ગુણધર્મો માટે પણ તે મૂલ્યવાન છે. ગુજરાતમાંથી પકડાતી મોટાભાગની ઘોલ માછલીને નિકાસ કરવામાં આવે છે. પુખ્ત ઘોલ માછલીની લંબાઈ લગભગ 1.5 મીટર હોય છે. કદ વધાવી સાથે માછલીની કિંમત પણ વધે છે. જે માછીમારોને મોટો ફાયદો કરાવે છે. ઉદાહરણમાં તરીકે મહારાષ્ટ્રના પાલઘરના એક માછીમારને 157 ઘોલ માછલીઓ પકડી હતી જેના તેને 1.33 કરોડ રૂપિયા મળ્યા હતા. ગુજરાતના ઉના તાલુકાના અન્ય એક માછીમારે પણ નસીબવત 1,500 જેટલી ઘોલ પકડી હતી, જેની કિંમત રૂ. 1.5 કરોડથી રૂ. 2 કરોડની વચ્ચે થઇ હતી.
માછીમાર એસોસિએશનના આગેવાને જણાવ્યું હતું કે, ગુજરાતની 25,000 જેટલી માછીમારી બોટ જે નિયમિતપણે માછીમારી માટે ઊંડા સમુદ્રમાં જાય છે, તેમાંથી માત્ર મુઠ્ઠીભર જ ઘોલ મળી શકે છે.
ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સમાં 210 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાગીદારો સામેલ થયા હતા, જેમાં સ્ટાર્ટઅપ્સથી, ફિશરી એસોસિએશનો અને પ્રોસેસિંગ ઉદ્યોગો પણ સામેલ થયા હતા.
રાજ્યના મત્સ્યોદ્યોગ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે પાકિસ્તાનની જેલમાં રહેલા 400 થી વધુ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે અને બાકીના 185ને સુરક્ષિત રીતે મુક્ત કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે.