હાર્દિક પંડ્યાની હાજરીમાં ‘ગાંધીનગર લોકસભા પ્રિમિયર લીગ’નો થયો શુભારંભ
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજની ગુજરાતની મુલાકાતમાં કરોડો રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપી છે, ત્યારે આજે એ કાર્યક્રમોની સાથે સાથે તેમણે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પણ પ્રારંભ કરાવ્યો છે. અમદાવાદના SGVP છારોડી ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રખ્યાત ક્રિકેટર હાર્દિક પંડ્યાની ઉપસ્થિતિમાં ‘ગાંધીનગર લોકસભા પ્રિમિયર લીગ’નો શુભારંભ થયો હતો.
આ ટુર્નામેન્ટ ગાંધીનગર સંસદીય ક્ષેત્રના વિવિધ વિસ્તારોને આવરી લેશે. આજની પહેલી મેચ ઘાટલોડિયા અને ગાંધીનગર નોર્થ વચ્ચે રમાઇ રહી છે. કુલ 13 જેટલા મેદાનો પર સતત 21 દિવસ સુધી મેચ રમાશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા 15 હજારથી વધુ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગાંધીનગરની 7 વિધાનસભા વિસ્તારોની અલગ અલગ ટીમનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ નાઇટ ટુર્નામેન્ટ ટેનિસ બોલથી રમાશે અને તમામ મેચો 10 ઓવરની હશે. અગાઉ પણ ગાંધીનગર લોકસભાના અમુક વિસ્તારોમાં આવા અનેક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. સાંસદ જન મહોત્સવ નામના કાર્યક્રમમાં અલગ અલગ સ્પર્ધાઓમાં 1.75 લાખથી વધુ યુવાનોએ ભાગ લીધો હતો. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સમાજના યુવાનોને આગળ લાવવા, તેમની પ્રતિભાને પ્લેટફોર્મ પુરું પાડવા આ પહેલ શરૂ કરી છે.