શરુઆતની દસ ઓવર્સ જ નક્કી કરશે વિજેતા, જાણો કોણે કરી આવી આગાહી….
અમદાવાદઃ આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ઈન્ડિયા વર્સીસ ઓસ્ટ્રેલિયાની ફાઈનલ મેચને લઈને જાત-જાતની આગાહીઓ, અટકળો વ્યક્ત કરાઈ રહી છે. આ બધા વચ્ચે દિગ્ગજ ખેલાડી અને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રીએ મહત્ત્વની આગાહી કરી છે. રવિ શાસ્ત્રીનું એવું માનવું છે કે બંને ઈનિંગ્સની શરૂઆતની 10-10 ઓવર ખૂબ જ મહત્ત્વની છે અને એ જ મેચનું રૂખ નક્કી કરશે. એટલું જ નહીં રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલી અંગે પણ આગાહી કરતાં જણાવ્યું હતું કે તે ફાઈનલમાં સેન્ચ્યુરી ફટકારશે.
રવિ શાસ્ત્રીએ વિરાટ કોહલીને લઈને એવી આગાહી કરી છે કે વિરાટ અત્યારે જે ફોર્મમાં છે એ પોતાની સ્ક્રીપ્ટ જાતે જ લખે છે. જો તે વધુ એક સેન્ચ્યુરી ફટકારશે તો એમાં નવાઈની વાત નથી. સેમિફાઈનલમાં તેણે આવું કર્યું હતું તો તે ફાઈનલમાં પણ આવું કરી શકે છે.
ભૂતકાળની યાદો વાગોળતા રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે જ્યારે હું કોચ હતો ત્યારે મને સૌથી વધુ નિરાશા અનુભવાઈ હતી કે આટલી શાનદાર ટીમ વર્લ્ડકપ કેમ ના જિતી શકી? જતાં પહેલાં મેં મારી ટીમને કહ્યું હતું કે તમે બધા વર્લ્ડકપ જિતવા લાયક છો. સમય આવશે. બસ તમે ધ્યાન કેન્દ્રિત કરો અને પાક્કો નિર્ધાર કરો. હવે એ સમય આવી ગયો છે.
આગળ તેમણે એવું પણ ઉમેર્યું હતું કે આ વ્હાઈટ બોલ ક્રિકેટમાં ભારતનો અત્યાર સુધીનો સૌથી સારું અને ઝડપી બોલિંગ એટેક છે. ત્રણ શાનદાર અને ફાસ્ટ બોલર છે ટીમ ઈન્ડિયામાં ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા અને કુલદિપ યાદવ જેવા બેસ્ટ સ્પિનર છે. સ્કિલ સેટ એકદમ શાનદાર છે, જે તમને ઘણી બધી વિવિધતા પ્રદાન કરે છે. તેમને પોતાને અનુકૂળ પિચની જરૂરિયાત નથી. ભારત આ એટેકની સાથે દુનિયામાં ક્યાંય પણ સારું પ્રદર્શન કરી શકે છે.