પરિવાર લગ્ન પ્રસંગથી પરત ઘરે આવી ઊંઘી ગયો ત્યાં વૉચમેનએ આવી દરવાજો ખખડાવ્યો ને…
સુરતઃ શહેરનો એક પરિવાર હજુ પણ વિશ્વાસ કરી શકતો નથી કે બે દિવસ પહેલા તેમનો હસ્તો રમતો પરિવાર આ રીતે વેરવિખેર થશે અને ઘરનો લાડલો જ ગુમાવી બેસશે. આ ઘટના ગુજરાતના સુરત શહેરના વેસુ વિસ્તારની છે જ્યાં એક કિશોરએ આત્મહત્યા કરીને જીવ ન ટૂંકાવ્યું છે. આ કિશોર બારમા ધોરણમાં અભ્યાસ કરતો હતો, પરંતુ તેણે આવું પગલું શા માટે ભર્યું તે હજુ જાણી શકાયું નથી.
સુરતના વેસુ વિસ્તારમાં ધોરણ 12 માં અભ્યાસ કરતો વિધાર્થી રહસ્યમય સંજોગોમાં દસમા માળે આવેલી બાલ્કનીમાંથી નીચે પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો અને તેનું હોસ્પિટલના બિછાને મોત થયું. હજુ તો આખો પરિવાર ગઈકાલે જ લગ્ન પ્રસંગમાંથી આવ્યો હતો અને નિંદ્રાધીન હતો.
અચાનક વૉચમેનએ ઘરનો દરવાજો ખખડાવ્યો હતો અને તેમનો પુત્ર બાલ્કનીમાંથી નીચે પટાકાયાનું જણાવતા પરિવાર દોડ્યો હતો અને પુત્રને હૉસ્પિટલએ લઈ ગયા હતા, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. દીકરાને આ રીતે લોહીથી લથબથ થયેલો જોતા જ પરિવાર હેબતાઈ ગયો હતો. આ ઘટના પ્રાથમિક રીતે આત્મહત્યાની હોવાનું જણાઈ છે, પરંતુ હજુ તે બાલ્કની પરથી અકસ્માતે પટકાયો કે નહીં તે અંગે પોલીસ તપાસ હાથ ધરી રહી છે.
ગણેશ ગરોડીયા નામનો આ 17 વર્ષીય કિશોર પરિવાર સાથે બહેનના લગ્ન માટે નાશિક ગયો હતો. ત્યાં ખૂબ જ મજા કરી અને નાચ્યા-ગાયા હતા. બહેનના લગ્નમાંથી પરિવાર પાછો આવ્યો ને આ અણધારી બીના બની ગઈ. જોકે આવી કપરી ઘડીમાં પણ પરિવારે સમજ અને માનવતા બતાવી છે અને પુત્રની આંખોનું દાન કર્યું છે. પરિવારના કહેવા અનુસાર પુત્ર તો રહ્યો નથી, પરંતુ તેની આંખોથી બીજાના જીવનમાં પ્રકાશ લાવી શકાય. આત્મહત્યા કરી પુત્રએ ખોટું પગલું ભર્યું, પરંતુ પરિવારે ચક્ષુદાન કરી સારો દાખોલ બેસાડ્યો છે.