લગ્નના 17 વર્ષ બાદ બંધાયું હતું પારણું, બાળકો હરણી બોટ દુર્ઘટનામાં કાળનો કોળિયો થઇ ગયા

વડોદરા: હરણી ખાતે બોટ પલટવાની ઘટનામાં મૃત્યુઆંક 17એ પહોંચ્યો છે, હજુ પણ આંકડો વધે તેવી શક્યતાઓ છે. આ દુર્ઘટનાને પગલે અનેક હસતા રમતા પરિવારોમાં માતમ છવાયો છે. દિવસરાત ગુંજતી બાળકની કિલકારીઓ સદાયને માટે શાંત પડી જતા માબાપનો સંસાર સૂનો થયો છે.
ત્યારે હતભાગી માબાપોમાં વડોદરાના એક દંપતિનો પણ સમાવેશ થાય છે, જેમના 2 બાળકો પણ આ ગંભીર ઘટનામાં કાળનો કોળિયો બન્યા હતા, કેટલાક મીડિયા અહેવાલો મુજબ, આ દંપતિએ શેર માટીની ખોટ પુરાય એ માટે લગ્નના 17 વર્ષ સુધી તપસ્યા કરી હતી.

જે શાળા તરફથી આ બાળકો પ્રવાસે ગયા હતા તે ન્યુ સનરાઇઝ સ્કૂલમાં આ દંપતિના 2 બાળકો અલગ અલગ ધોરણમાં અભ્યાસ કરતા હતા. હાલ આ દંપતિ યુકેમાં છે અને દુર્ઘટનાના સમાચાર બાદ વતન પરત આવવા માટે નીકળી ગયા છે. તેમના આગમન બાદ બાળકોના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.
સમગ્ર દુર્ઘટનાનો મામલો હવે હાઇકોર્ટમાં પહોંચ્યો છે, હાઇકોર્ટે સુઓમોટો નોંધ લેવાની અરજી સ્વીકાર્યા બાદ કોર્ટે નિવેદન આપ્યું હતું કે ‘બેદરકારીને મામલે નિર્દોષ બાળકોના જીવ ગયા છે તે સાંખી નહિ લેવાય.’
ભોગ બનનાર માસૂમ બાળકોના વાલીઓ પણ ન્યુ સનરાઇઝ સ્કૂલના સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, કેટલાક વાલીઓએ માગ કરી હતી કે શાળા સંચાલકો સામે પણ કાર્યવાહી થવી જોઇએ. શિક્ષકો જે સ્થળ પર હાજર હતા તેમણે પણ બાળકોની સલામતી અંગે જવાબદારી લેવાની જરૂર હતી.
વાલીઓના ટોળા મોટી સંખ્યામાં શાળા પાસે ઉમટી રહ્યા હોવાનું જણાતા સંચાલકોએ પોલીસ બંદોબસ્ત પણ મુકાવી દીધો હતો. સ્કૂલનું કામકાજ પણ હાલપૂરતું બંધ રાખવામાં આવ્યું છે, સ્કૂલ હવે ક્યારે ખૂલશે તે અંગે પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે.