અમદાવાદમાં મકરબા-કોર્પોરેટ રોડ પાસે કપાયેલી હાલતમાં મળી યુવકની લાશ

ગુજરાતના માન્ચેસ્ટર ગણાતા અમદાવાદમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ઉંચે જઇ રહ્યો છે. થોડા દિવસો પહેલા બોપલ વિસ્તારમાં યુવતી સાથે ગેંગરેપની ઘટના બની હતી, અને હવે શહેરના મકરબા-કોર્પોરેટ રોડ વિસ્તારમાં જાહેર રસ્તા પર એક યુવકનો કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. યુવકનું માથું અલગ જગ્યાએથી અને ધડ અલગ જગ્યાએથી મળી આવ્યું છે.
બનાવની જાણ થતા જ આનંદનગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ આ તપાસમાં જોડાયા છે. પ્રાથમિક તપાસમાં પોલીસે હત્યાનો કેસ નોંધી કાર્યવાહી હાથ ધરી છે. એફએસએલ સહિતની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ટીમે તપાસ કરતા માહિતી મળી છે કે અંદાજે 15 દિવસ પહેલા અજાણ્યા પુરુષનો મૃતદેહ અવાવરું પ્લોટમાં હત્યા કરીને કોઇ ફેંકી ગયું હોવાની શક્યતા છે. પોલીસે સીસીટીવી કબજે કરીને પણ તપાસ હાથ ધરી છે.
અગાઉ શીલજ વિસ્તારમાં સાફલ્ય બિલ્ડિંગમાં પાંચ સિક્યોરીટી ગાર્ડ દ્વારા એપાર્ટમેન્ટમાં રહેતી એકલી મહિલાના ઘરમાં ઘુસીને રૂપિયા 3.32 લાખની મત્તાની લૂંટ કરવાની સાથે મહિલા સાથે દુષ્કર્મના પ્રયાસની ઘટના બની હતી અને તે પહેલા વટવા વિસ્તારમાં પણ એક યુવાનની હત્યાનો બનાવ બન્યો હતો. આમ શહેરમાં સતત વધી રહેલી ક્રાઇમની ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે.