ભાજપની યોજનાને ભાજપના જ ધારાસભ્યે ગણાવી અયોગ્ય..
ગુજરાતમાં શિક્ષકોની ભરતી માટેની જ્ઞાનસહાયક યોજનાની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી ઉમેદવારો તેનો ભારે વિરોધ કરી રહ્યા છે. આ યોજનામાં કોન્ટ્રાક્ટ આધારિત ભરતી છે જેના બદલે શિક્ષકોની કાયમી ભરતી થાય તેવી માગ સાથે ઠેર ઠેર દેખાવો અને વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. એવામાં અમદાવાદના અમરાઇવાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય હસમુખ પટેલે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરને પત્ર લખીને યોજના અયોગ્ય છે તેમ જણાવી શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગણી કરી છે.
અમરાઇવાડીના ધારાસભ્ય હસમુખ પટેલે શિક્ષણપ્રધાન કુબેર ડિંડોરને પત્ર લખીને જણાવ્યું છે કે, TET, TAT પાસ થયેલ ઉમેદવારોની રજૂઆત મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને સ્કૂલ ઓફ એક્સેલેન્સ મુજબ ગુણવત્તા યુક્ત શિક્ષ્ણના હેતુ માટે ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ્ઞાન સહાયક યોજના બહાર પાડવામાં આવી છે. જેમાં જ્ઞાન સહાયકોને 11 માસના કરાર આધારિત સ્કૂલમાં નિમણૂક આપવામાં આવશે. પરંતુ આ યોજના ઉમેદવારોના હિતમાં નથી. જો જ્ઞાન સહાયકોની યોજના અમલમાં આવશે તો છેલ્લા ઘણા વર્ષોથી પરીક્ષા તેમજ નોકરી એ પોતાનું અંતિમ લક્ષ્ય માનીને મહેનત કરતા ભાવિ શિક્ષકોનું ભવિષ્ય અંધકારમય બની જશે. આમ જણાવી ધારાસભ્યે સમગ્ર મામલે ઘટતું કરવા શિક્ષણપ્રધાનને વિનંતી કરી હતી.
જો કે કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUIએ આ અંગે પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ માત્ર શિક્ષકોને લોલીપોપ આપવા માટે સોશિયલ મીડિયા મારફતે પત્ર લખે છે. જો તેમને ખરેખર ચિંતા હોય તો ઉમેદવારો સાથે આંદોલનમાં જોડાય. આંદોલનમાં જોડાય તો જ સાચા સેવક કહેવાય તેવી ટિપ્પણી NSUIએ કરી હતી.