અમદાવાદ પહોંચી ટીમ ઇન્ડિયા, ખેલાડીઓની એક ઝલક માટે અમદાવાદીઓના ટોળેટોળા ઉમટ્યા

WORLD CUP FINAL માટે ક્રિકેટપ્રેમીઓમાં જબરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી સેમીફાઇનલ મેચ બાદ દરેક ભારતીયના હૃદયમાં ક્રિકેટ ટીમ માટે માન અનેકગણું વધી ગયું છે. ત્યારે વર્લ્ડ કપની મેચના આખરી જંગ માટે ટીમ ઇન્ડિયા અમદાવાદ પહોંચી ચુકી છે. અમદાવાદની ITC નર્મદા હોટલમાં ટીમ રોકાવાની છે, ત્યારે મેચ પહેલા ટીમના ખેલાડીઓની એક ઝલક મેળવવા અમદાવાદીઓ હોટલ પાસે ઉમટી પડ્યા હતા.
રપોર્ટ પહોંચ્યા બાદ ટીમ ઇન્ડિયાના ખેલાડીઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વાગત બાદ ખેલાડીઓ હોટલ માટે રવાના થયા હતા. ત્યારે હોટલ પાસે પોતાના ફેવરીટ પ્લેયરને જોવા માટે લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી. ટીમના કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, જાડેજા, શુભમન, બુમરાહ, શ્રેયસ ઐય્યર, કેએલ રાહુલ, સિરાઝ, કુલદીપ તમામ ખેલાડીઓ બસમાં એરપોર્ટથી હોટલ સુધી પહોંચ્યા હતા. રવિન્દ્ર જાડેજા સાથે રિવાબા જાડેજા પણ જોવા મળ્યા હતા.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ટીમને સુરક્ષિત રીતે હોટલમાં પહોંચાડી દેવામાં આવી છે. હવે આજની સેમી ફાઇનલમાં જે ટીમ જીતે તે 19 નવેમ્બરની મેચમાં ભારત સામે મેદાનમાં ઉતરશે. ફાઇનલમાં પ્રતિસ્પર્ધી ટીમ આવતીકાલે અમદાવાદ પહોંચશે. ત્યારબાદ બંને ટીમ શનિવારે નેટ પ્રેકટિસ કરશે. ફાઇનલ મેચ દરમિયાન ક્લોઝિંગ સેરેમની પણ યોજાશે જેમાં પ્રિતમ, જોનીતા ગાંધી જેવા અનેક કલાકારો પર્ફોર્મ કરશે.