વતન છોડ્યું પણ શિક્ષણકાર્ય નહીં; 1971માં સિંધથી ગુજરાત આવેલા શિક્ષકોની પ્રેરણાદાયક ગાથા...
આપણું ગુજરાત

વતન છોડ્યું પણ શિક્ષણકાર્ય નહીં; 1971માં સિંધથી ગુજરાત આવેલા શિક્ષકોની પ્રેરણાદાયક ગાથા…

અમદાવાદ: આજે 5 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આજના દિવસે સમાજ ઘડતરમાં મહત્વનું યોગદાન આપતા શિક્ષકોની કામગીરીને બિરદાવવામાં આવશે. ગુજરાતમાં એવા પણ શિક્ષકો છે, જેમણે પોતાનું વતન છોડવા છતાં પણ શિક્ષણ કાર્ય ચાલુ રાખ્યું.

અહીં વાત થઇ રહી છે 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન સિંધ પ્રદેશ છોડીને સરહદ પાર ગુજરાતમાં આવેલા શિક્ષકોની, જેમણે ગુજરાતમાં આશ્રય લઇને પણ શિક્ષણકાર્ય ચાલુ રાખ્યું અને હાજારો બાળકોનું ભવિષ્ય ઉજ્વળ બનાવ્યું.

નોંધનીય છે કે યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના સિંધ પ્રદેશમાંથી હજારો લોકો વતન છોડી ગુજરાત આવ્યા હતાં, જેમાં ઘણાં શિક્ષકો પણ હતાં. આ શિક્ષકોએ ગુજરાતમાં આવેલા શરણાર્થી શિબિરો અને છેવાડાના ગામડાઓમાં શિક્ષણકાર્ય શરુ કરીને નવા જીવનની શરૂઆત કરી અને હજારો બાળકોને શિક્ષણ આપ્યું. આવો જાણીએ કેટલાક શિક્ષકોના પ્રેરણાદાયક કાર્ય વિષે.

આ શિક્ષકના 600 વિદ્યાર્થીઓ સરકારી હોદ્દા પર:
એક અખબારી અહેવાલમાં આપેલી જાણકારી મુજબ સિંધ પ્રદેશમાંથી આવેલા ભાલજીરામ પંડ્યા બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના સુઇગામ ગામમાં રહે છે. યુદ્ધ પહેલા વર્ષ 1966માં તેમણે પાકિસ્તાનમાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી હતી. વર્ષ 1971માં યુદ્ધ ફાટી નીકળતા તેઓ અન્ય ત્રણ અન્ય લોકો સાથે પગપાળા ચાલીને ગુજરાત આવી ગયા હતાં.

સુઇગામ શરણાર્થી શિબિરમાં ટીન શેડમાંથી બનાવવામાં આવેલી કામચલાઉ શાળાઓમાં તેમને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ત્રણ દાયકા સુધી શિક્ષણ આપ્યા બાદ 2004માં નિવૃત્ત થયા. તેમની પાસેથી શિક્ષણ મેળવીને 600 વિદ્યાર્થીઓ સરકારી અધિકારી બન્યા છે.

સિંધથી આવીને ગુજરાતી ભાષા શીખી:
1971 યુદ્ધ દરમિયાન કુંભાજી સોઢા પણ પાકિસ્તાનથી પલાયન કરીને ગુજરાત આવી ગયા હતાં. અહીં આવીને તેમણે બારાક્ષરી શીખવાની શરૂઆત કરીને ગુજરાતી ભાષા શીખી, ત્યાર બાદ ગુજરાતી શીખવવાનું શરુ કર્યું. તેમણે કચ્છના ઝુરા કેમ્પમાં અને પછી નિરોણામાં વિદ્યાર્થીઓને ગુજરાતી ભાષા શીખવવાનું શરુ કર્યું, તેઓ વર્ષ 2005માં નિવૃત્ત થયા.

ભૂરોમલ પરમારની સફર પણ પ્રેરણા દાયક છે, તેમણે 1966માં પાકિસ્તાનના ચુડીયો ગામમાં શિક્ષણકાર્ય શરુ કર્યું હતું. યુદ્ધ દરમિયાન તેમને ઘર, નોકરી અને વતન છોડી ગુજરાત આવ્યા, અહીં આવીને તેઓ 15 વર્ષ સુધી બેરોજગાર રહ્યા.

વર્ષ 1987માં કેન્દ્ર સરકારના આદેશો બાદ તેમની શિક્ષક તરીકે નિમણૂક આપવામાં આવી. તેમણે બનાસકાંઠાના થરાદ તાલુકાના જનાડી ગામમાં 10 વર્ષ અને થરાદના શિવનગર વિસ્તારમાં પાંચ વર્ષ સુધી શિક્ષણ સેવા આપી, ત્યાર બાદ તેઓ નિવૃત્ત થયા.

કચ્છમાં ગાંધી શાળા શરુ કરી:
સિંધ પ્રદેશથી આવેલા સ્વર્ગસ્થ રતિલાલ ખોખરે કચ્છના ઝુરા કેમ્પમાં ગાંધી શાળા નામની એક કામચલાઉ શાળા શરુ કરી હતી, તેમના મૃત્યુ બાદ પણ આ શાળા હજુ પણ ચાલી રહી છે. સિંધી હોવા છતાં ગુજરાતી ભાષા પર તેમની સારી પકડ હતી.

સિંધથી આવેલા અન્ય શરણાર્થી શિક્ષકો પણ આ શાળામાં જોડાયા અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાનું શરુ કર્યું. હજારો વિદ્યાર્થીઓ આ શાળામાંથી શિક્ષણ મેળવી ચુક્યા છે.

આ પણ વાંચો…સરકારી શિક્ષકોની હાલત દાડિયા મજૂરોથી પણ ખરાબ! દિવસના માત્ર 300 રૂપિયામાં ભરતી

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button