‘તથ્યને ખ્યાલ હતો કે અકસ્માત થશે..’ ગુજરાત હાઇકોર્ટમાં તથ્ય પટેલના જામીન પર શું દલીલો થઇ?
અમદાવાદ: ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મુખ્ય આરોપી તથ્ય પટેલની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે. હાઇકોર્ટમાં આજે સતત 2 કલાક મુખ્ય આરોપી 19 વર્ષીય તથ્ય પટેલની જામીન અરજી પર સુનાવણી ચાલી હતી.
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર આજની સુનાવણીમાં તથ્યના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે તે ઘટનાસ્થળેથી ભાગ્યો નહોતો, અકસ્માત બાદ લોકોએ તેને પકડીને માર માર્યો હતો. એટલે આ હિટ એન્ડ રનનો કેસ નથી. તેમજ તેણે ડ્રાઇવિંગ દરમિયાન કોઇ નશો કર્યો નહોતો, કોર્ટે તથ્યના બેકગ્રાઉન્ડ અને તેની ઉંમર પણ ધ્યાનમાં લેવી જોઇએ.
તથ્યના કેસમાં કલમ 304ને બદલે 304-A લાગવી જોઇએ એ બાબતે તથ્યના વકીલે દલીલો કરી હતી, તેમણે સુપ્રીમ કોર્ટનો એક કેસ ટાંક્યો હતો જેમાં એક બસ ટ્રેન સાથે અથડાઈ હતી અને તેમાં બે માણસોના મોત થયા હતા, તેમાં પણ હેતુ નહોતું, વ્યક્તિ જાણી જોઈને લોકોના ટોળા વચ્ચે ગાડી નહોતો ચલાવતો, તથ્ય ઉપર પણ 304 નહિ 304 A જ લાગે.
ગાંધીની ફિલોસોફી પ્રમાણે દરેક માણસ સારો જ જન્મે છે. ગુનાખોરી એ એક રોગ છે, જેને સાજો કરી શકાય છે, જેલ ગુનાની મનોવૃત્તિને અટકાવતી નથી સુધારવાનું કામ કરે છે, આ પ્રકારની દલીલો તથ્યના વકીલે કરી હતી.
અકસ્માત વખતે તથ્ય સાથે ગાડીમાં કેપેસીટી કરતા વધારે લોકો હતા તેવો ઉલ્લેખ તથ્ય સામે ફાઇલ થયેલી ચાર્જશીટમાં કરવામાં આવ્યો છે. એડિશનલ એડવોકેટ દ્વારા દલીલો કરવામાં આવી હતી કે તેના મિત્રોએ તેને ગાડી ધીમી ચલાવવા કહ્યું હતું પણ તથ્ય માન્યો નહિ આ પ્રથમ દર્શિય ગુનો છે.
શહેરના વ્યસ્ત રોડ ઉપર આટલી ઝડપે ગાડી ચલાવનારને ખબર જ હોય કે અકસ્માત થઈ શકે અને લોકોના જીવ જોખમમાં આવી શકે છે. તેની ગાડી 141 કિમી/કલાકની ઝડપે ચાલતી હતી. તે સામાન્ય નહીં પણ લક્ઝુરિયસ ગાડી ચલાવતો હતો. તથ્યએ અગાઉ પણ અકસ્માત કર્યા હતા તેવી વિગતો એડિશનલ એડવોકેટે કોર્ટને જણાવી હતી.
આમ તથ્યના મિત્રના નિવેદન જોતા તેને અકસ્માત થવાની શક્યતાનું નોલેજ હતું તેવું વકીલે જણાવતા કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. હવે કદાચ તે સુપ્રીમમાં અપીલ કરે તેવી શક્યતા છે.