આપણું ગુજરાતલોકસભા સંગ્રામ ૨૦૨૪

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તળપદા v/s ચુવાળીયા કોળી વચ્ચે કાંટાની ટક્કર, 2024માં થશે નવાજુની?

સુરેન્દ્રનગર: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું પ્રચાર અભિયાન શરૂ થઈ ગયું છે ત્યારે કોંગ્રેસે અંતે બાકીની 4 સીટો પર તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે કોળી મતદારોના પ્રભુત્વવાળી સુરેન્દ્રનગર બેઠક પર તેના ઉમેદવાર તરીકે પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાનું નામ જાહેર કરી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે ચુવાળીયા કોળી સમાજમાંથી આવતા ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર બનાવ્યા છે. આમ સુરેન્દ્રનગર સીટ પર ભાજપના ચંદુભાઈ શિહોરા અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણા વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર શરૂઆતથી જ કોળી સમાજના મતદારોનું વર્ચસ્વ રહ્યું છે અને રાજકીય પક્ષો દ્વારા કોળી સમાજના ઉમેદવારને જ છેલ્લા ઘણા વર્ષોથી ટિકિટ આપી અને સાંસદ તરીકે ચૂંટાઈને દિલ્હી સુધી મોકલ્યા છે. આ લોકસભાની ચૂંટણી માટે પણ ભાજપ અને કોંગ્રેસ દ્વારા કઈ જ્ઞાતિના ઉમેદવારને ટિકિટ આપવી તે અંગે લાંબા સમય સુધી ચર્ચાઓ અને અસમંજસ બાદ ભાજપ દ્વારા ચુવાળીયા કોળી સમાજમાંથી ચંદુભાઈ શિહોરાને ઉમેદવાર બનાવ્યા છે.

આ પણ વાંચો : સાબરકાંઠા સીટનો ભાજપનો આંતરિક ડખો શોભનાબહેન બારૈયાની નૌકાને ડુબાડશે કે સામે કાંઠે ઉતારશે?

કોંગ્રેસ દ્વારા પણ ભાજપે ઉમેદવાર જાહેર કર્યા બાદ અંદાજે 12 દિવસ બાદ કોંગ્રેસ દ્વારા અનેક નામના મંથન અને ચર્ચાઓ બાદ અંતે ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને તળપદા કોળી જ્ઞાતિના ઋત્વિક મકવાણાનુ ઉમેદવાર તરીકે નામ સતાવાર જાહેર કર્યું છે. ઋત્વિક મકવાણા શિક્ષણ જગત સાથે સંકળાયેલા છે અને તેમના પરિવારમાંથી કરમશીભાઈ મકવાણા કોંગ્રેસમાંથી પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ સવશીભાઈ મકવાણા પૂર્વ સાંસદ રહી ચૂક્યા છે.

સુરેન્દ્રનગર લોકસભા બેઠક ગુજરાતની નવમા નંબરની લોકસભા સીટ છે. સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં વિરમગામ, ધંધુકા, દસાડા, લીમડી, વઢવાણા, ચોટીલા, ધ્રાંગધ્રા વિધાનસભાનો સમાવેશ થાય છે. સુરેન્દ્નનગર લોકસભા મતવિસ્તારમાં 40 ટકા જેટલા કોળી મતદારો ઉપરાંત ક્ષત્રિય, માલધારી-ભરવાડ, પાટીદાર, દલિત, મુસ્લિમ મતદારોનું પ્રમાણ 10-10 ટકાની આસપાસ છે. બાકી રહેલા મતદારોમાં બ્રાહ્મણ-વાણિયા સહિતના સવર્ણો અને સથવારા સમાજના મતદારો મુખ્ય છે.

આ પણ વાંચો : જામનગર લોકસભા સીટ: ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો

ગુજરાતમાં ભાજપના એકચક્રી શાસનના દિવસો શરૂ થયા એ પછી રાજ્યની બીજી લોકસભા બેઠકો પર ભાજપ સરળતાથી જીતતો રહ્યો છે પણ સુરેન્દ્રનગર બેઠક પર ભાજપે હંમેશાં સંઘર્ષ કરવો પડ્યો છે. ગુજરાતમાં 1989 પછીની 8 લોકસભા ચૂંટણીમાં પાંચવાર ભાજપે જીત મેળવી જ્યારે 3 વાર કોંગ્રેસ જીતી છે. ગુજરાતની ગણતરીની લોકસભા બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસનો રેકોર્ડ સારો હોય ને જીત માટે પ્રબળ દાવેદારી હોય, એમાંની એક બેઠક સુરેન્દ્રનગરની છે.

સુરેન્દ્રનગર લોકસભા મતવિસ્તાર ભારતીય રાજકારણમાં તેના નોંધપાત્ર પ્રભાવ માટે જાણીતો છે. 2019ની સામાન્ય સભાની ચૂંટણીમાં અહીં કાંટાની ટક્કર જોવા મળી હતી. ભાજપ ઉમેદવાર ડૉ. મહેન્દ્રભાઈ મુંઝાપરા એ 2,77,437 મતોના વિજય માર્જિન સાથે, 6,31,844 મતો મેળવીને 2019ની સામાન્ય ચૂંટણી જીતી. ડૉ. મહેન્દ્રભાઈ મુંઝાપરા એ કોંગ્રેસ ના સોમાભાઈ પટેલ ને હરાવ્યા, જેમને 3,54,407 મત મળ્યા. તે જ પ્રકારે 2014ની ચૂંટણીમાં મોદીલહેર દેશભરમાં હતી એમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે સોમાભાઈ ભાજપના દેવજીભાઈ ફતેપરા સામે બે લાખ જેટલા મતોથી હારી ગયા હતા. જોકે એ સિવાય આ બેઠક પર એમનો દબદબો રહ્યો છે.

આ પણ વાંચો : આણંદ લોકસભા સીટ: પાટીદાર V/S ક્ષત્રિય વચ્ચે ચૂંટણી જંગ, ભાજપના મિતેશ પટેલ સામે કોંગ્રેસના અમિત ચાવડા મેદાને

સુરેન્દ્નનગર બેઠક પર સોમાભાઈ ગાંડાભાઈ પટેલનો પ્રભાવ ભારે છે અને છેલ્લા એક દાયકામાં યોજાયેલી લોકસભાની દરેક ચૂંટણીમાં તેમનો પ્રભાવ વર્તાયો છે. સોમાભાઈ ગાંડાભાઈ પટેલ વારંવાર પક્ષ બદલતા રહ્યા છે ને તેના કારણે આ બેઠક કોઈ વાર ભાજપની તો કોઈ વાર કોંગ્રેસની ઝોળીમાં જઈને પડતી રહી છે. ભાજપે 1989થી 2014 સુધીમાં પાંચ વાર સુરેન્દ્રનગર બેઠક જીતી તેમાંથી ત્રણ વાર તો તેના ઉમેદવાર સોમાભાઈ પટેલ જ ઉમેદવાર હતા. 2009માં કોંગ્રેસે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરથી સોમાભાઇને ટિકિટ આપી જેમાં તેમનો વિજય થયો હતો. સોમાભાઈ ગાંડાભાઈનો આ વિસ્તારમાં પ્રભાવ છે તેનું કારણ જ્ઞાતિવાદી સમીકરણો છે. સોમાભાઈ કોળી પટેલ છે અને સુરેન્દ્રનગરમાં કોળી મતદારો બહુમતીમાં છે, સોમાભાઈ એમના સર્વમાન્ય નેતા છે.

વર્ષ 2024ની ચૂંટણીમાં સુરેન્દ્રનગર જિલ્લાની 5 વિધાનસભા બેઠકો પરથી 14,48,431 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે.જયારે અમદાવાદ ગ્રામ્યની વિરમગામ અને ધંધુકા મળી સુરેન્દ્રનગર લોકસભા બેઠકમાં આવતી 7 વિધાનસભામાં 20,26,252 મતદારો નોંધાયા છે. ત્યારે વર્ષ 1962માં નોંધાયેલા મતદારોની સરખામણી વર્ષ 2024માં યોજાનાર ચૂંટણી સાથે કરવામાં આવે તો સુરેન્દ્રનગર લોકરોના બેઠક પર મતદારોમાં 15,88,918નો વધારો થયો છે. જેમાં ટકાવારીની દ્રષ્ટીએ મતદારોની સંખ્યા 463 ટકા વધી છે.

સુરેન્દ્રનગર વૈવિધ્યસભર વસ્તીવિષયકને પ્રતિબિંબિત કરે છે અને ગુજરાતનો નિર્ણાયક મતવિસ્તાર છે. સુરેન્દ્રનગરમાં કોળી મતદારો બહુમતીમાં છે, આ મતવિસ્તારમાં 40 ટકા મતદારો કોળીપટેલ છે. આ મતવિસ્તારમાં વર્ષ 2019 માં 57.85% મતદાન થયું હતું. હવે 2024 માં, મતદારો તેમના મતની શક્તિથી કાંઈ નવાજુની કરે છે કે નહીં તેના પર સૌની નજર છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing Indian Cricket Stars Heating Up for the World Cup! Post Office Scheme: Earn Rs 1,11,000 Yearly with This Government Scheme Astrology marriage dates warning