સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રીનું ‘ખૂલ જા સિમ સિમ’ : ફાળવી દીધા 2430 કરોડ
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક અન્વયે વડોદરા મહાનગરપાલિકા તથા જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે 3 કરોડ 14 લાખ રૂપિયા રાજ્ય સરકારના ફાળા પેટે આપવાની મંજૂરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી છે.
મુખ્યમંત્રી એ આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાને 2કરોડ 78 લાખના ખર્ચે વિવિધ 50 કામો માટે મંજૂરી આપી છે. તેમણે જસદણ નગરપાલિકાને સી.સી. રોડના કામ માટે રૂ. 19.17 લાખ તેમજ વિજાપુર નગરપાલિકાને સી.સી. રોડ અને પેવર બ્લોકના કામો માટે 17.43 લાખ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે.
2010 માં ગુજરાતની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવા અવસરે તત્કાલિન મુખમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી છે.
અત્યાર સુધીમાં રાજ્ય સરકારે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આ ખાનગી સોસાયટી જનભાગીદારી યોજના અંતર્ગત મહાનગરપાલિકાઓને 36,418 કામો માટે રૂ.2112.23 કરોડ અને નગરપાલિકાઓને 7,334 કામો માટે રૂ. 318.83 કરોડ મળીને કુલ 43,752 કામો માટે રૂ. 2430,46 કરોડ રાજ્ય સરકારના ફાળા પેટે ફાળવેલા છે.
આપણ વાંચો: PM જન-આરોગ્ય યોજના હેઠળ કરોડો નાગરિકોને આરોગ્ય કવચ, 2.6 કરોડને આયુષ્માન કાર્ડ
રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ તેમના વિસ્તારોમાં આવેલી ખાનગી સોસાયટીઓમાં પાયાની મૂળભૂત કોમન ફેસેલિટીઝના કામો માટે આ યોજના અંતર્ગત ગ્રાંટની રકમ મેળવી શકે છે.
ખાનગી સોસાયટીઓમાં રસ્તા, પેવર બ્લોક, પાણીની લાઈન, ડ્રેનેજ લાઈન, સ્ટ્રીટ લાઈટ, રેઈન વોટર હાર્વેસ્ટીંગ તેમજ સોસાયટીઓના કોમન પ્લોટમાં પેવર બ્લોક નાંખવાના કામો માટે આ સહાય 70/20/10 ના ધોરણે અપાય છે.
તદઅનુસાર, કુલ સંભવિત રકમના 70 ટકા ગ્રાંટ રાજ્ય સરકાર તરફથી ફાળવવામાં આવે છે. 20 ટકા પ્રમાણે ખાનગી સોસાયટીના અને 10 ટકા સ્થાનિક સંસ્થાનો ફાળાનો સમાવેશ કરીને આવા બેઝિક કોમન ફેસેલિટીઝના કામો ખાનગી સોસાયટીઓમાં જનભાગીદારીથી હાથ ધરવામાં આવે છે.