ગોંડલમાં દરગાહમાં જમ્યા બાદ બે સગા ભાઈઓના શંકાસ્પદ મોત, ઊલ્ટી થયા બાદ બન્નેએ દમ તોડ્યો
રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં એક દરગાહમાં જમ્યા બાદ બે સગા ભાઈઓના શંકાસ્પદ મોત નીપજતા ખળભળાટ મચી ગયો છે. શહેરના વોરાકોટડા રોડ પર આવેલા આવાસના ક્વાર્ટરમાં રહેતા મકવાણા પરિવારના બે બાળકો રોહિત મકવાણા (ઉં.વ.3) અને હરેશ મકવાણા (ઉં.વ.13) ગઈ કાલે શુક્રવારે દરગાહમાં જમ્યા હતા. ત્યાર બાદ થોડા સમય બાદ બંનેને ઊલ્ટી થવા લાગી હતી. સારવાર માટે બન્નેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટૂંકી સારવાર બાદ બન્ને ભાઈઓના મોત નીપજ્યા હતા. પોલીસે મૃતદેહોને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ(પીએમ) માટે મોકલી આપ્યા છે અને મોત અંગે સાચું કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
અહેવાલો અનુસાર મૃતકના માતા-પિતાના 15 દિવસ પહેલા છૂટાછેડા થયા હતા. ત્યાર બાદથી બંને બાળકો પિતા સાથે જ રહેતા હતા. પિતા બંનેને અવારનવાર દરગાહમાં લઈ જતા હતા. ગઈકાલે પણ બંને બાળકો પિતા સાથે દરગાહમાં ગયા હતા અને ત્યાં જ જમ્યા હતા. ત્યારબાદ બંને બાળકોને ઉલટી શરુ થઇ જતા તબિયત લથડી હતી. સારવાર અર્થે બંનેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન બંનેનું મોત નીપજતા ગોંડલ પોલીસને જાણ કરવામાં આવી હતી.
ગોંડલ પોલીસે મૃતક બાળકોના પિતાનું નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ સમગ્ર મામલામાં શંકાસ્પદ વાત એ છે કે ગઈ કાલે દરગાહમાં અન્ય કેટલાક લોકોએભોજન લીધું હતું એમાંથી કોઈ વ્યક્તિને ઉલટીની સમસ્યા થઇ નથી. બંને બાળકોના ભોજનમાં કે પીણામાં કશુક ભેળસેળ કરવામાં આવી હોય એવી શંકા ઉપજી છે. જોકે ફોરેન્સિક પીએમ રિપોર્ટ સામે આવ્યા બાદ આ શંકા અંગે સ્પષ્ટતા થશે. હાલ પોલીસ પીએમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.