‘મુસલમાનની ફરિયાદથી પટેલિયાના છોકરાને જેલમાં પૂરે એવી હિંદુવાદી સરકાર નથી જોઈતી!’

ડૉ. રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદાર સમાજની રેલી, વરુણ પટેલે સરકાર સામે ઉઠાવ્યા આકરા સવાલો
માંડલ: જમીન એનએ કરવાના રૂ. 1,500 કરોડના કૌભાંડમાં સુરેન્દ્રનગરના કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલ ઈડી (એન્ફોર્સમેન્ટ) તથા એસીબી (એન્ટિ કરપ્શન બ્યુરો)ના સકંજામાં આવ્યા છે. જેને પગલે રાજેન્દ્ર પટેલને સસપેન્ડ પણ કરવામાં આવ્યા છે. જોકે, ડૉ. રાજેન્દ્ર પટેલ સામે આટલી કાર્યવાહી થતાં પટેલ સમાજ તેમના સમર્થનમાં આવ્યો છે. તાજેતરમાં માંડલ ખાતે ડૉ. રાજેન્દ્ર પટેલના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી હતી. જેમાં ગીતા પટેલ, વરુણ પટેલ અને પાસ કન્વીનર મનોજ પનારા જેવા પાટીદાર નેતાઓ જોવા મળ્યા હતા. જેમાં વરુણ પટેલે સરકારને સવાલોના ઘેરામાં લીધી હતી.
પાટીદારના દીકરાને જેલમાં પૂરી દેવાય?
વરુણ પટેલે રેલીને સંબોધતા જણાવ્યું હતું કે, “એક મુસલમાન ફરિયાદ કરે અને હિન્દુઓની સરકારમાં પાટીદારના દીકરાને જેલમાં પૂરી દેવાય? જો મારો દીકરો ખોટો હશે તો અમે ઘરે બે લાફા મારીશું, પણ બહારનો કોઈ લાફો મારી જવો જોઈએ નહીં.” વરુણ પટેલે આ મામલાને ધર્મ અને જાતિ સાથે જોડતા કહ્યું કે, “એક મુસ્લિમ ફરિયાદીની ફરિયાદ પર હિન્દુવાદી સરકાર પટેલના દીકરાને જેલમાં પૂરે તે અમે નહીં ચલાવી લઈએ.” તેમણે સાર્વજનિક રીતે પૂછ્યું હતું કે, “શું અહીં હાજર કોઈ એવો વ્યક્તિ છે જેણે પૈસા આપ્યા વગર જમીન NA કરાવી હોય?”
પંચાયત પાસેથી સત્તા છીનવાતા ભ્રષ્ટાચાર વધ્યો
વરુણ પટેલના આ સવાલનો હાજર જનમેદનીએ ‘હા’માં જવાબ આપ્યો હતો. વરુણ પટેલે દાવો કર્યો કે નોન-ગુજરાતી (બહારના રાજ્યના) અધિકારીઓ ગુજરાતમાં ભ્રષ્ટાચાર કરીને 50 હજાર કરોડ રૂપિયા કમાઈને પોતાના વતનમાં રોકાણ કરી રહ્યા છે. વરૂણ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, 2016માં સરકારે જિલ્લા પંચાયત પાસેથી સત્તા છીનવીને કલેક્ટરને સોંપી છે, જેના કારણે ભ્રષ્ટાચાર વધી ગયો છે. વરૂણ પટેલે સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, અગાઉના કલેક્ટર કેયુર સંપટના સમયમાં જે જમીનો NA થઈ હતી, તેની તપાસ કેમ નથી થતી? કેમ માત્ર રાજેન્દ્ર પટેલને જ નિશાન બનાવવામાં આવ્યા?
હું ભ્રષ્ટાચારના આંકડા જાહેર કરીશ
જોકે, વરુણ પટેલે આ લડાઈને લાંબી ખેંચવાની જાહેરાત કરી છે. આ લડાઈના ભાગરૂપે 70 સભ્યોની ટીમ બનાવવામાં આવશે, જે ઉમિયાધામ (ઊંઝા), ખોડલધામ (કાગવડ) અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જશે. આ ટીમો પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓને મળીને સરકાર પર દબાણ લાવવાની વિનંતી કરશે. વરુણ પટેલે ચીમકી આપી છે કે, તે દર અઠવાડિયે નોન-ગુજરાતી અધિકારીઓના ભ્રષ્ટાચારના આંકડા જાહેર કરશે.
આ પણ વાંચો…કરોડોના કૌભાંડમાં સસ્પેન્ડ થયેલા જિલ્લા કલેકટર રાજેન્દ્ર પટેલના સમર્થનમાં પાટીદારોની રેલી
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીની ધરપકડ કરવામાં આવી છે. EDનો આરોપ છે કે જમીન NA કરવાની મંજૂરી આપવા માટે આ અધિકારીઓએ મોટું સ્કેન્ડલ ચલાવ્યું હતું, જેમાં કલેક્ટરનો 50 ટકા હિસ્સો રહેતો હતો. આ સંબંધમાં વાયરલ વીડિયો થયા પછી અનેક લોકોએ તેના પર ચોંકાવનારી પ્રતિક્રિયા આપી હતી. અમુક લોકોએ વરુણ પટેલના વખાણ કર્યા હતા, જ્યારે અમુક લોકોએ વખોડી નાખી હતી.



