આપણું ગુજરાતસુરત

સુરત પોલીસનું X એકાઉન્ટ હેક, વાંધાજનક વીડિયો પોસ્ટ કર્યો

સુરત: આજના સમયમાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા થઈ ગયા છે. તેથી હવે સોશિયલ મીડિયા મારફતે થતી છેતરપિંડી પણ વધી ગઈ છે. સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરીને હેકર્સ માહિતીનો દુરુપયોગ કરવાની સાથોસાથ તેનો અનેક રીતે ઉપયોગ કરીને સાયબર ક્રાઈમ આચરતા હોય છે. જેની તપાસ પોલીસનો સાયબર ક્રાઈમ વિભાગ કરતો હોય છે. પરંતુ હવે પોલીસ જ સાયબર ક્રાઈમનો ભોગ બની છે.

સુરત પોલીસનું એક્સ એકાઉન્ટ હેક થયું

સોશિયલ મીડિયાના વધતા ચલણને લઈને હવે સરકારી વિભાગો પણ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ શરૂ કર્યા છે. જેના પરથી તે જરૂરી માહિતી શેર કરતા હોય છે. ગુજરાત પોલીસ અને દરેક જિલ્લાની પોલીસના પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના એકાઉન્ટ છે. જે પૈકી સુરત શહેર પોલીસનું એક્સ ‘સુરત એરેના પોલીસ’ નામનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે. હેકરે એકાઉન્ટ હેક કરવાની સાથોસાથ આ એકાઉન્ટ પરથી 23 જૂન 2025ના રોજ એક આપત્તિજનક વીડિયો પણ પોસ્ટ કર્યો છે.

એકાઉન્ટ હેક થતા સુરત પોલીસ એક્શનમાં

એકાઉન્ટ હેક થવાને લઈને સુરત પોલીસ ભારે ટ્રોલ થઈ હતી. જોકે પોલીસ એકાઉન્ટ કોના દ્વારા અને ક્યાંથી હેક કરવામાં આવ્યું છે? એ અંગે તપાસ શરૂ કરી દીધી છે. સાથોસાથ એક પોસ્ટ કરીને એકાઉન્ટ હેક થયાની પુષ્ટી પણ કરી છે.

કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે

સુરત પોલીસે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે જાહેર જનતાને વિનંતીસહ જણાવવાનું કે સુરત શહેર પોલીસનું ટ્વીટર એકાઉન્ટ હેક થયું છે. ટ્વીટર પર મૂકાયેલા 23મી જૂનના વીડિયો સુરત શહેર પોલીસે અપલોડ કર્યા નથી એની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એક્સ એકાઉન્ટ પર વીડિયો યથાવત

ઉલ્લેખનીય છે કે, સુરત પોલીસે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં એકાઉન્ટ હેક કરનાર સામે કાયદેસરની કાર્યવાહીની વાત કરી છે. પરંતુ હજુ સુધી એક્સ એકાઉન્ટ પરથી આપત્તિજનક વીડિયો ડિલિટ કરવામાં આવ્યો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button