સુરત પોલીસે કરી કમાલ, ઝારખંડમાં રિક્ષા ચલાવીને હત્યાના આરોપીને ઝડપ્યો
સુરત: શહેરના પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જઘન્ય અપરાધોમાં વર્ષોથી ફરાર હોય તેવા આરોપીઓને પકડવા માટે પ્રિવેન્ટીવ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ટાસ્ક આપ્યો છે. આ ટાસ્ક મુજબ સુરત પોલીસની પીસીબી ટીમ દ્વારા 21 વર્ષ જૂના હત્યાના કેસમાં ફરાર આરોપીને ઝારખંડથી પકડવામાં પોલીસને સફળતા મળી હતી.
હત્યાકાંડના આરોપીની ધરપકડ માટે સુરત પોલીસના પીસીબી ટીમના કર્મચારીઓએ ઝારખંડના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં રિક્ષાચાલકનો વેશ ધારણ કરવો પડ્યો હતો. પીસીબી વિંગના પોલીસ ઇન્સ્પેક્ટર આરએસ સુવેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોલીસ કમિશનર અજયકુમાર તોમરના આદેશાનુસાર ફરાર આરોપીઓ સાથે સંબંધિત ડેટા એકત્ર કરીને તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
ઉધના પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 302, 201 અને 114 હેઠળ હત્યાનો ગુનો નોંધાયો હતો. જેના આરોપીની તમામ વિગતો એકઠી કરીને પીસીબી ટીમના એએસઆઇ સહદેવ વરવા, અશોક લુણીના આરોપી મોહમ્મદ ઉમર અંસારી વિશે જાણવા મળ્યું હતું કે તે ઝારખંડના ધનબાદ જિલ્લાના વાસેપુરમાં રહે છે અને રિક્ષા ચલાવે છે.
માહિતીની ખરાઇ કર્યા બાદ આરોપીની ધરપકડ કરવા માટે પીસીબી ટીમને મોકલવામાં આવી. પીસીબી ટીમના સભ્યો ઝારખંડના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં 7 દિવસ સુધી કોઇને શંકા ન જાય તેમ ઓટોરિક્ષામાં ફરતા રહ્યા. અલગ અલગ જગ્યાએથી તેમને આરોપી વિશે જે વિગતો મળતી તે મુજબ તેઓ ઉમર અન્સારી સુધી પહોંચવામાં સફળ રહ્યા. પોલીસ ઇન્સ્પેક્ટર આરએસ સુવેરાના જણાવ્યા મુજબ, પીસીબીએ 10 વર્ષથી વધુ સમય સુધી જેલથી અળગા રહેલા કુલ 22 આરોપીઓની ધરપકડ કરી છે. જેમાંથી 16 હત્યાના ગુનામાં ફરાર હતા.
પીસીબી ટીમે આરોપીને સુરત લાવી તેની પૂછપરછ શરૂ કરી હતી. પોલીસે જણાવ્યા મુજબ આરોપીએ કહ્યું હતું કે વર્ષ 2003ના મે મહિનામાં તેના મિત્ર મેહરાજ અલીને દયાશંકર ગુપ્તા નામના શખ્સ સાથે તકરાર થઇ હતી. મેહરાજ અને ઉમરે દયાશંકરને અવાવરુ સ્થળે લઇ જઇ તેને વાતચીતના બહાને દારૂ પીવડાવ્યો અને તેના માથા પર પ્રહાર કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. ત્યારબાદ મૃતદેહની ઓળખ ન થાય એ માટે મૃતદેહ સળગાવી દીધો હતો. હવે આરોપીઓ સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે.