આપણું ગુજરાત

ગુજરાતમાં ઉનાળુ પાકોનું વાવેતર શરૂ, મગફળીના વાવેતરમા સામાન્ય ઘટાડો…

અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે. ત્યારે રાજ્યના ખેડૂતોએ ઉનાળુ પાકોનું વાવેતર પણ જોરશોરથી શરૂ કરી દીઘુ છે. ચાલુ વર્ષનો વાવેતરનો આંકડો પાછલી સીઝનને બરોબર છે. રાજ્યમાં વાવણીની 86 ટકા જેટલી કામગીરી પૂરી થઇ ચૂકી છે. કઠોળ અને તલના વાવેતરમાં વધારો થયો છે. જ્યારે મગફળીનું વાવેતર નીચાં ભાવને લીધે થોડુ ઘટ્યું છે.

ગુજરાતમાં 9.86 લાખ હેક્ટરમાં વાવેતર થયુ

ખેતીવાડી ખાતાના તાજા આંકડાઓ પ્રમાણે ગુજરાતમાં ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે વાવેતર મામૂલી નીચે રહ્યું છે. ગુજરાતમાં 9.86 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. અગાઉના વર્ષે એપ્રિલના આરંભે 9.98 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતુ. મગફળી, બાજરી અને ઘાસચારાના પાકના વાવેતરમાં ઘટાડો થવાને લીધે કુલ વાવેતર થોડું પાછળ છે. જોકે પાછલા વર્ષની સ્થિતિ મેળવાઇ જશે તેમ કૃષિ ખાતાના અધિકારીઓ દ્વારા અંદાજ લગાવામાં આવ્યુ હતુ.

કઠોળનું વાવેતર ગયા વર્ષ કરતા વધારે

ઉનાળામાં કઠોળના વાવેતર વધી જાય છે. કારણ કે ઉનાળુ વાવેતરમાં કઠોળ પર પાણી પડવાનું જોખમ હોતું નથી એટલે ટોચની ગુણવત્તાના કઠોળ પાકે છે. એ કારણથી કઠોળના વાવેતર વધે છે. પાછલા વર્ષના 41,493 હેક્ટર સામે આ વખતે મગનું વાવેતર 53,264 હેક્ટરમાં વાવેતર થયું છે. અડદનું વાવેતર 20,611 સામે 29,355 હેક્ટર રહ્યું છે. કઠોળનું વાવેતર ગયા વર્ષ કરતા વધારે છે.

આ પણ વાંચો: અમલસાડ ચીકુને જીઆઈ ટેગ મળ્યો, ખેડૂતોને થશે આ ફાયદો…

તલમાં પણ બગાડનું જોખમ નહીં હોવાથી પાછલા વર્ષ કરતા વાવેતરમાં થોડો વધારો થયો છે. તલના ભાવ પણ સારા છે એટલે વાવેતર વિસ્તારને લાભ મળ્યો છે. તલનું વાવેતર ગુજરાતમાં 1,14,524 હેક્ટરમાં થયું છે. અગાઉના વર્ષમાં વાવેતર 1,09,739 હેક્ટરમાં રહ્યુ હતુ. તલનો વિસ્તાર સામાન્ય રીતે 1.15 લાખ હેક્ટર રહેતો હોય છે એ જોતા વાવેતર સામાન્ય છે. મોટાં ફેરફાર વાવેતરમા થયા નથી.

મગફળીનું વાવેતર અત્યાર સુધીમાં 51,891 હેક્ટર થયું

મગફળીનું વાવેતર અત્યાર સુધીમાં 51,891 હેક્ટર થયું છે. જે પાછલા વર્ષમાં 46,734 હેક્ટર હતુ. સામાન્ય રીતે 58 હજાર હેક્ટર આસપાસ વાવેતર રહેતું હોય છે. ડાંગરનું વાવેતર ગુજરાતમાં 1,26,348 હેક્ટરમાં થયું છે. જે પાછલા વર્ષમાં 93,152 હેક્ટરમાં રહ્યું હતુ. જોકે સામાન્ય કરતા 50 ટકા વધારો વાવેતરમાં થયો છે.

આ પણ વાંચો: કેસર કેરીના ગઢ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ, જાણો કેટલો બોલાયો ભાવ

મકાઇનું વાવેતર જળવાઇને 6710 હેક્ટરમાં રહ્યું

બાજરીમાં ગુજરાત સરકારે ટેકાની ખરીદી પર બોનસની જાહેરાત કરી છે પણ તેનો કોઇ પ્રભાવ નથી. વાવેતર ઘટીને 2,09,767 હેક્ટર રહ્યું હતુ. પાછલા વર્ષમાં 2,62,688 હેક્ટરમાં વાવેતર થયું હતુ. સરેરાશ કરતા વાવેતરમાં 32 ટકા જેટલો ઘટાડો થયો છે. મકાઇનું વાવેતર જળવાઇને 6710 હેક્ટરમાં રહ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button