ગુજરાત હાઈકોર્ટના સંકુલમાં ક્યા એડવોકેટને કૂતરું કરડી ગયું ? બાર એસોસિએશને ચીફ જસ્ટિસને કરવી પડી ફરિયાદ…

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં 40 કૂતરાંઓનો જમાવડો છે. જેનાથી એડવોકેટ, સ્ટાફ અને પક્ષકારો પરેશાન છે. નવેમ્બર 2025માં રજિસ્ટ્રાર જનરલને પત્ર લખવા છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. પરિણામે હાઈકોર્ટના પરિસરમાં કૂતરાંઓનો આતંક વધી ગયો છે. જેને લઈને તાજેતરમાં એક એડવોકેટને કૂતરું કરડ્યાની ઘટના સામે આવી છે.
હાઈકોર્ટ પરિસરમાં કોને કરડ્યું કૂતરું
5 જાન્યુઆરી, 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટના પરિસરમાં એડવોકેટ રાધેશ વ્યાસને કૂતરું કરડતા ગંભીર ઈજા પહોંચી હતી. રાધેશ વ્યાસને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતાં. ડોગ બાઈટ એટલું ગંભીર હતું કે, ડૉક્ટરને ટાંકા લીધા હતાં અને રાધેશ વ્યાસને ત્રણ ઈન્જેક્શન આપ્યા હતા. તેઓને હજુ વધુ આઠ ઈન્જેક્શન લેવા પડશે.

ચીફ જસ્ટિસ પાસે કાર્યવાહીની માંગ
એડવોકેટ રાધેશ વ્યાસ સિવાય પણ ઘણા વકીલો તથા પક્ષકારો હાઈકોર્ટ પરિસરમાં કૂતરાંના આતંકનો ભોગ બની ચૂક્યા છે. ડિસેમ્બર 2025માં પક્ષકારોને કૂતરાં કરડવાના 4-5 કિસ્સાઓ સામે આવ્યા હતા. બે-ત્રણ વકીલોએ તો પરિસરમાં રખડતાં કૂતરાંઓથી મહામહેનતે પીછો છોડાવ્યો હતો.
એક વકીલને તો ચાર કૂતરાંઓએ ચેમ્બર બિલ્ડિંગમાં જ ઘેરી લીધા હતાં. આ સમગ્ર ઘટનાઓની ગંભીરતાપૂર્વક નોંધ લેતા ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ યતિન ઓઝા દ્વારા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસને પત્ર લખીને જાણ કરવામાં આવી છે અને કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
આ પણ વાંચો…હાઇકોર્ટમાં રખડતા કૂતરાંની ફરિયાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી, CJIને લખાયો પત્ર…

ઉલ્લેખનીય છે કે, ગુજરાત હાઈકોર્ટમાં વધતા રખડતાં કૂતરાંઓના આતંકને લઈને હવે હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશને સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસને પત્ર લખીને હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.



