ગુજરાતના યુવાનો આખી ઇકોસિસ્ટમના સર્જક બન્યા, વર્કશોપમાં અર્જુન મોઢવાડિયાએ કર્યાં વખાણ…

ગાંધીનગરઃ દેશમાં સેમિકન્ડક્ટર અને સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ સુધી ગુજરાતના યુવાનો માત્ર આઈડિયા નહીં, પરંતુ આખી ઇકોસિસ્ટમ બનાવી રહ્યા છે. અગાઉ ઈનોવેશન અને સ્ટાર્ટઅપ માત્ર લેબમાં થતા હતા, જ્યારે અત્યારે રાજ્ય સરકારના પ્રયાસો અને યુવાઓની મહેનતથી ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રે દેશમાં પ્રથમ ક્રમે છે. જ્યારે સ્ટાર્ટઅપ્સનું નામ પણ અજાણ્યું હતું, ત્યાંથી લઈને આજે આપણે સ્ટાર્ટઅપ ક્ષેત્રે નંબર વન સ્ટેટ બન્યા છીએ. આમ, ભારતીય યુવાનોની ક્ષમતા અને મહેનતની નોંધ સમગ્ર વિશ્વ લઈ રહ્યું છે. ગુજરાત આજે સ્ટાર્ટઅપ અને Al ટેકનોલોજીમાં પ્રગતિશીલ રાજ્ય છે તેમ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક પ્રધાન અર્જુન મોઢવાડિયાએ આજે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે એક દિવસીય વર્કશોપનું આયોજન
વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક પ્રધાન અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષસ્થાને આજે ગિફ્ટ સિટી ક્લબ, ગાંધીનગર ખાતે ‘સ્ટ્રેટેજિક IP મેનેજમેન્ટ ફોર ઇનોવેશન: પેટન્ટ એનાલિટિક્સ અને ફ્રીડમ ટુ ઓપરેટ-FTO’ વિષય પર એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિવિધ ઇનોવેટર્સને આત્મનિર્ભર ગુજરાત ફેલોશિપ અંતર્ગત કુલ રૂપિયા ૬૨.૮૪ લાખ, IP કોમર્શિયલાઇઝેશન અંતર્ગત કુલ રૂપિયા ૩ લાખ અને નિધિ પ્રયાસ ગ્રાન્ટ હેઠળ રૂપિયા ૨૧.૫૦ લાખ એમ કુલ રૂપિયા ૮૭.૩૪ લાખની રકમના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.

ભારતીય ડિઝાઇન મુજબ સેટેલાઇટનું ઉત્પાદન કરાશે
સાણંદના ખોરજ ખાતે આવેલી GIDCમાં દેશની સૌ પ્રથમ સેટેલાઇટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટી બનાવવામાં આવી છે. અહી ભારતીય ડિઝાઇન મુજબ સેટેલાઇટનું ઉત્પાદન કરવામાં આવશે. જેમાં પ્રથમ ત્રણ વર્ષ સુધી 6 સેટેલાઇટ અને ત્યારબાદ ત્રણ વર્ષમાં 12 સેટેલાઈટ બનાવવાનું લક્ષ્ય છે. આમ, રાજ્યમાં યુવાઓનો વિવિધ સ્વરૂપે અદભૂત બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ થઈ રહ્યો છે, જે સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમને વધુ વેગ આપે છે.
આ દરમિયાન અર્જુન મોઢવાડીયાએ કહ્યું હતું કે, નિષ્ફળતા પાછળ જ સફળતા રહેલી છે, એટલે પ્રયત્ન છોડવો જોઈએ નહીં. મને વિશ્વાસ છે કે તમે બધા માર્ગમાં આવતા અવરોધને દૂર કરીને આગળ વધશો. અમેરિકામાં આવેલા સિલિકોન વેલી શહેરમાં ભારતીય યુવાઓ AI, ચેટ GPT જેવા અનેક તકનીકી ક્ષેત્રોમાં મહત્વનું યોગદાન આપી રહ્યા છે. ગુજરાતમાં ધોલેરા સહિત ચાર સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થવા જઈ રહ્યા છે, જેથી આ ક્ષેત્રે કામ કરતું દેશનું યુવાધન પરત ફરશે.



