આપણું ગુજરાત

વડોદરામાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટના

વડોદરા: આજે રામનગરી અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું ઉદ્ઘાટન થયું છે ત્યારે વડોદરા શહેરના પાદરા તાલુકામાં ભગવાનની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટના બની છે.

આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. સમગ્ર દેશ આજે પ્રભુ શ્રીરામની ભક્તિમાં લીન છે, જો કે ભક્તિના આ પાવન પ્રસંગ વચ્ચે ગુજરાતમાં કેટલાક અસામાજિક તત્વો પણ સક્રિય થયા છે. રાજ્યમાં 2 જગ્યાઓએ છુટી છવાયી હિંસાની ઘટના બની હતી.

જેમાં આજના દિવસે વડોદરાના પાદરા ગામ પાસે આવેલા ભોજ ગામમાં કોમી છમકલું થયું હતું. 2 જૂથ વચ્ચે કોઇ વાતને પગલે વિવાદ ઉભો થતા શાબ્દિક બોલાચાલી અને પથ્થરમારો થયો હતો, જેમાં કુલ 10 મહિલાઓને ઇજા પહોંચી છે.

આ ઘટના બન્યા બાદ ભોજ ગામે પોલીસનો કાફલો ખડકી દેવાયો છે, સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવાઇ છે. બંને જૂથના આગેવાનોને પોલીસ સમજાવવાના પ્રયાસો પણ કરી રહી છે. જો કે કોણે પથ્થરમારો શરૂ કર્યો અને શેના લીધે વિવાદ ઉભો થયો તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

મહત્વનું છે કે ગઇકાલે મહેસાણા પાસે આવેલા ખેરાલુમાં પણ આવી જ એક ઘટના બની હતી જેમાં પ્રભુ શ્રીરામની શોભાયાત્રામાં અચાનક જ બેલીમ વિસ્તાર પાસેના અમુક ઘરની અગાસીઓ પરથી ઓચિંતા જ પથ્થરમારો શરૂ થઇ ગયો હતો, જેને પગલે યાત્રામાં જોડાયેલા લોકોમાં પણ નાસભાગ મચી ગઇ હતી. પોલીસે સ્થિતિ કાબૂમાં લેવા માટે ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. કુલ પાંચ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટનામાં 15 લોકોની પૂછપરછ શરૂ કરી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button