ટેસ્લાનો પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવા રાજ્ય સરકાર કેન્દ્ર સાથે સંપર્કમાં
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024 પહેલા રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક કાર જાયન્ટ ટેસ્લાને ગુજરાતમાં લાવવા માટે સખત મહેનત કરી રહી છે. કેન્દ્ર સરકાર ટેસ્લાને ભારતમાં લાવવા માટે કંપનીના પદાધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે, ત્યારે સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત સરકાર આ પ્રોજેક્ટને સાણંદ-બેચરાજી પ્રદેશ અથવા ધોલેરામાં લાવવા માટે કેન્દ્રની મદદ માંગી રહી છે. ટેસ્લા ભારતીય ઓટો મોબાઈલ સાથે ભાગીદારી કરી શકે છે.
ગત જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ન્યૂયોર્કમાં ટેસ્લાના ચીફ ઈલોન મસ્કને મળ્યા હતા. રાજ્ય અધિકારીઓએ સુત્રોને જણાવ્યું હતું કે, ગુજરાત મોટા ઔદ્યોગિક રાજ્યોમાંનું એક અને ઓટોમોબાઈલ હબ છે. અમે VGGS 2024 દરમિયાન ટેસ્લા પ્રોજેક્ટને ગુજરાતમાં લાવવા માટે કેન્દ્ર સરકાર પાસેથી મદદ લઈ રહ્યા છીએ.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે, ટેસ્લા સાથેની વાતચીત પ્રારંભિક તબક્કામાં છે. અમે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ગુજરાતમાં લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. ગુજરાત ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાના સપનાને સાકાર કરવામાં મહત્તમ યોગદાન આપવાનું લક્ષ્ય ધરાવે છે અને તેમાં ટેસ્લા જેવા પ્રોજેક્ટ્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ગુજરાત ટેસ્લાને સાણંદ-બેચરાજી ક્ષેત્રમાં જમીન ઓફર કરી શકે છે જ્યાં ટાટા મોટર્સ અને સુઝુકી તેમના ઓટોમોબાઈલ પ્લાન્ટ ધરાવે છે. આ પ્રદેશ બંદરો સાથે સારી કનેક્ટિવિટી ધરાવે છે, જેથી નિકાસમાં સરળતા રહે છે. ધોલેરા પણ સંભવિત સ્થળોમાંનો એક છે જ્યાં ટેસ્લા પ્લાન્ટ સ્થાપી શકે છે.
ટાટા મોટર્સના મહત્વાકાંક્ષી નેનો પ્લાન્ટના આગમન બાદ ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરી આવ્યું છે. ત્યારથી, રાજ્યમાં ફોર્ડ મોટર્સ જેવી ઓટો કંપનીઓનું આગમન જોવા મળ્યું છે, જોકે ફોર્ડનો પ્લાન્ટ ટાટા મોટર્સ અને સુઝુકી દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો. MG મોટરે પણ જનરલ મોટરના હાલોલ પ્લાન્ટને હસ્તગત કરીને ભારતમાં તેનો એકમાત્ર પ્લાન્ટ સ્થાપ્યો છે.