લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગે SPG મેદાને, ગાગલાસણમાં યોજાયું મહાસંમેલન…

સિદ્ધપુરઃ સિદ્ધપુરના ગાગલાસણમાં સરદાર પાટીદાર અને SPG દ્વારા લગ્ન નોંધણી કાયદામાં સુધારાની માંગ સાથે મહાસંમેલન યોજાયું હતું. આ કાર્યક્રમમાં હાજર સમાજના આગેવાનોએ ખાસ કરીને પ્રેમ લગ્ન અંગે નિયમો બનાવવા માટે માંગણી કરી હતી. માંગણીઓ કેવી હતી? પહેલું કે, મૈત્રી કરાર રદ્દ કરાવો, લગ્ન નોંધણીમાં વાલીની સહી ફરજિયાત, કૌટુંબિક વ્યવસ્થા બચાવો, ભાગેડુ લગ્નો રોકો અને લાલચ આપીને કરવામાં આવતા લગ્નોમાં સામેલ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જો કે, આ તમામ મુદ્દાઓમાં પ્રેમ લગ્નનો મુદ્દો કેન્દ્રમાં હતો.
પ્રેમ લગ્નમાં વાલીની મંજૂરી અને સહીને અનિવાર્ય કરવા માંગ
આ સંમેલનમાં પાટીદાર સમાજ અને SPG વચ્ચેના મૈત્રી કરારને રદ કરવાની નોટિસ આપવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ સમાજના પ્રમુખ આગેવાનોએ આંદોલન તેજ કરવાની ચીમકી પણ આપી હતી. મુખ્ય માંગોમાં લગ્ન નોંધણી વખતે માતા-પિતા કે લોહીના સબંધીઓની મંજૂરી અને સહીને અનિવાર્ય બનાવવામાં આવે તેવી ખાસ માંગ કરવામાં આવી હતી. આ સાથે સમાજના આગેવાનોએ મૈત્રી કરારને સમાજ વ્યવસ્થા માટે જોખમરૂપ ગણાવ્યાં અને તેને તાત્કાલિક નાબૂદીની માંગ કરવામાં આવી હતી.
કૌટુંબિક માળખાને બચાવવાનો દાવો કરવામાં આવ્યો
આ સાથે ભાગેડું લગ્નો અને ખોટી રીતે થતા લગ્નોમાં સંડોવાયેલા વ્યક્તિઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. આ નિર્ણયોથી કૌટુંબિક માળખાને બચાવવાનો દાવો કરવામાં આવ્યો છે. એક SPG આગેવાનોએ કહ્યું કે, વર્તમાન કાયદાની છટકબારીઓ કૌટુંબિક વ્યવસ્થાને તોડી રહી છે. સામાજિક સુરક્ષા અને પરંપરાગત મૂલ્યોના રક્ષણ માટે કાયદામાં સુધારો અનિવાર્ય બન્યો છે. પાટીદાર સમાજ સાથેના મૈત્રી કરારને રદ ન કરવામાં આવે તો આંદોલન તેવું તીવ્ર બનશે. સંમેલનમાં આવેલા હજારો લોકોએ આ માંગોને સમર્થન પણ આપ્યું હતું.



