આપણું ગુજરાત

ભણશે ગુજરાત પણ કેવી રીતે? કોંગ્રેસના પ્રવક્તાએ સૌ.યુનિ. કરેલી આરટીઆઈમાં થયા ચોંકાવનારા ખુલાસાઓ

કેમ્પસમા શૈક્ષણિક સ્ટાફની ૪૪% તો બિનશૈક્ષણિક સ્ટાફના વર્ગ-૪ના ૮૦%,વર્ગ-૩ ના ૭૭% અને વર્ગ-૨ ની ૪૨% જગ્યાઓ ખાલીખમ : કુલપતિ,રજિસ્ટાર પણ ઇન્ચાર્જ

રાજકોટઃ જો આ જ અવદશા રહેશે તો આવનાર થોડા વર્ષમા જ સૌ.યુની.મા તાળા લાગશે તેવી કોંગ્રેસે આશંકા વ્યક્ત કરી
એક સમયે શૈક્ષિણિક બાબતોમાં સૌરાષ્ટ્રનુ હ્રદય ગણાતી રાજકોટ સ્થિત વર્ષોજૂની યુનિવર્સિટી એટલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી. ૩૦૦ થી વધુ એકરમા પથરાયેલ આ વિશાળ કેમ્પસમા અલગ અલગ ભવનોમા અને તેને સલગ્ન કોલેજોમા અંદાજે ૩ લાખ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને લાખો વિદ્યાર્થીઓએ અહી અભ્યાસ કરી ખૂબ ટોચના સ્થાને પહોચ્યા છે. એક સમય હતો કે આ યુનિવર્સિટી A+ ગ્રેડ ધરાવતી હતી અને કેમ્પસના અમુક ભવનોનુ શિક્ષણ સમગ્ર દેશ કક્ષાએ એટલુ પ્રખ્યાત હતુ કે કેમ્પસના ભવનોમા અભ્યાસ માટે પડાપડી થતી અને બીજી તરફ હાલની પરીસ્થિતિએ મોટાભાગના ભવનોમા સીટો સાવ ખાલીખમ પડી રહે છે તો અમુક રિસર્ચ ભવનોમા તાળા લાગ્યા છે.

વારંવાર પેપરલીક થવા,ભરતીઓમાં ગોટાળાઓ,વહીવટી ભ્રષ્ટાચારો,પ્રવેશમા- પરીક્ષાઓ- પરિણામોમા છાછવારે છબરડાઓ,વિવાદો, આંતરિક ગંદૂ રાજકારણ જેવી બાબતોના લીધે છેલ્લા ૬-૭ વર્ષમાં આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની છબી એટલી હદે ખરડાઈ છે અને વહિવટી બાબતોમાં હાલત એટલી કથળેલી છે કે NAACનો ગ્રેડ તો નીચે ગગડ્યો જ છે પણ શરમજનક બાબત એ છે અહીથી અભ્યાસ કરી વિદ્યાર્થી ડિગ્રી મેળવીને અન્ય યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવાતા સમયે વિદ્યાર્થીઓને અનેક જાતના મેણા-ટોણા સાંભળવા પડે છે કા તો સૌ.યુની. નામ વાંચી પ્રવેશ ફોર્મ જ સાઈડમા મૂકી દેવાના દુઃખદ કિસ્સાઓ સામે આવે છે.

ત્યારે સવાલ સ્વાભાવિક ઉભો થતો હોય છે કે આવી હાલત થવાનુ કારણ શુ ? તો વર્ષોથી વિદ્યાર્થીઓના પ્રશ્ને લડતા વિદ્યાર્થીનેતા અને ગુજરાત કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે આ અંગે એક આરટીઆઈ કરી હતી જેમા ચોંકાવનારી માહિતી સામે આવી હતી અને તેના પરથી વિસ્તૃત તર્ક તેઓએ રજૂ કર્યા હતા..

૧) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી કાયમી કુલપતિ રાજ્યસરકાર નિમણુંક કરી શકતી નથી જેના કારણે અલગ અલગ કાર્યકારી કુલપતિઓની નિમણુંક કરીને બદલાવ્યા કરે છે.આ કાર્યકારી કુલપતિઓ પાસે અમુક મર્યાદિત સતાઓ હોય છે જેથી વિદ્યાર્થીહિતને એક તરફ મૂકીને આ કાર્યકારી કુલપતિઓ ખુરશીના મોહે તે રાગદ્વેષની ભાવનાથી તેઓના સામેના જૂથને ટાર્ગેટ કરી પોતાના માણસોને સેટ કરવામાં જ રચ્યાપચ્યા રહે છે જેથી વિવાદો થયા કે બે વખત પેપરલિક,નાઘેડી ચોરીકાંડ જેવી ચર્ચિત ગેરપ્રવૃત્તિમા કોઇ જાતના નક્કર પગલા લેવાયા નથી. રાજ્યના શિક્ષણમંત્રી રાજકોટ જેટલી વાર આવે ત્યારે સૌ.યુની.ના કુલપતિની નિમણૂકે મામલે તેઓનો જવાબ એક જ હોય છે કે મુખ્યમંત્રીના ટેબલ પર ફાઇલ પડી છે !.રાજ્યની મોટાભાગની યુનિવર્સિટીઓમા કાયમી કુલપતિઓની નિમણુંક થઈ ગઈ છે તો માત્ર સૌ.યુની. મા કેમ નથી કરતા તે પણ મોટો સવાલ છે.

૨) બીજુ મુખ્ય કારણ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા રજિસ્ટાર,ચીફ એકાઉન્ટ ઓફિસર,ચીફ એન્જિનિયર,ગ્રંથપાલ જેવી ક્લાસ-૧ કક્ષાની અને યુનિવર્સિટીના વહિવટી બાબતોમા અતિ મહત્ત્વની ગણાતી જગ્યાઓ વર્ષોથી ખાલી છે અને હંગામી ધોરણે ઇન્ચાર્જથી ગાડુ ગબડાવાય રહ્યુ છે જેના લીધે યુનિવર્સિટીમાં વહિવટી રીતે સાવ ખાડે ગઇ છે.આવનારા થોડા સમયમાં જ અનેક અધિકારીઓ નિવૃત્ત થવાના છે ત્યારે ભવિષ્યમાં વહિવટી રીતે શુ અવદશા ઉદ્ભવશે તે ચિંતાનો વિષય છે!

૩)કોઇ પણ શૈક્ષણિક સંસ્થામા બિનશૈક્ષણિક સ્ટાફ એ વહીવટી રીતે પાયાની જરૂરિયાત હોય છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વહિવટી વિભાગોમા અને તમામ ભવનોમાં વર્ગ-૪ ની કુલ ૫૮ મહેકમની સામે માત્ર ૧૨ ભરાયેલ છે અને ૪૬ જેટલી જગ્યાઓ ખાલી છે એટલે ૮૦% જગ્યાઓ ખાલી છે. વર્ગ -૩ ની કુલ ૧૧૭ મહેકમની સામે ૨૭ ભરાયેલ છે અને ૯૦ જેટલી જગ્યાઓ ખાલી છે એટલે ૭૭% જગ્યાઓ ખાલી છે. વર્ગ-૨ ની કુલ ૩૧ મહેકમની સામે ૧૮ ભરાયેલ છે અને ૧૩ જગ્યાઓ ખાલી છે એટલે ૪૨% જગ્યાઓ ખાલી છે.

આમ યુની.ના તમામ વહિવટી વિભાગોમાં હંગામી કર્મચારીઓથી વર્ષોથી ગાડુ ગબડાવાય રહ્યુ છે. પરીક્ષા વિભાગ જેવા અતિ સવેંદેશીલ ગણાતા વિભાગમા મોટાભાગના કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓ છે ત્યારે ભૂતકાળમાં પણ અનેક ગેરપ્રવૃત્તિઓમા સંડોવાયેલ હંગામી કર્મચારીઓ પર કડક કાર્યાવહી થઈ શકી નથી અને ગેરપ્રવર્તીઓને પ્રોત્સાહન મળે છે જેના કારણે અવારનવાર પરીક્ષાઓ અને પરિણામોમા છબરડાઓ થયા કરે છે.

કાયમી કર્મચારીઓની ભરતી કરવાની સરકારમાંથી મંજૂરીઓ મળવા છતા સતાધિસોની અણઆવડતને કારણે ભરતી પૂર્ણ કરી શક્યા નથી ત્યારે રાજયસરકાર ગૌણ સેવા પસંદગી મંડળને આ ભરતીની જવાબદારી સોંપીને તત્કાલ આ જગ્યાઓમાં ભરતી કરાવે જેથી વહિવટી વિભાગો સુવ્યવસ્થિત ચાલી શકે અને યુની.મા ચાલતી અનેક ગેરપ્રવૃત્તિઓ બંધ થાય.

૪) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં અલગ અલગ વિષયોના ૨૮ જેટલા ભવનો આવેલ છે જેમાં હજારો વિદ્યાર્થીઓ અનુસ્નાતક કોર્ષનો અભ્યાસ કરી રહ્યા છે.આ તમામ ભવનોમા શૈક્ષણિક સ્ટાફ એટલે કે અધ્યાપકોની કુલ ૧૫૫ જેટલી મહેકમ સામે ૮૭ ભરાયેલ છે અને ૬૮ જેટલી જગ્યાઓ ખાલી છે એટલે કે ૪૪% જગ્યાઓ ખાલી છે.

થોડા વર્ષો પહેલા કેમ્પસના કેમેસ્ટ્રી,ફિઝિક્સ અને બાયોસાયન્સ ભવનોનુ શિક્ષણ સમગ્ર દેશ કક્ષાએ અવ્વલ નંબરે હતુ,અનેક સંશોધનો એ દેશ અને સમાજ ઉપયોગી થતા હતા અને આ વિદ્યાર્થીઓ દેશની અગ્રીમ સંસ્થાઓમાં ટોચના હોદા પર આજે બેઠા છે અને આ ભવનોમાં પ્રવેશ મેળવવા ભૂતકાળમા પડાપડી થતી હતી.

હાલના સમયે મોટા ભાગના ભવનોમા સીટો ખાલીખમ રહે છે કારણ કે કોઈ દાનતથી ભણાવનાર પ્રોફેસરોની જ નથી રહ્યાં! ૨.૫૦-૩ લાખ જેટલો તગડો પગાર મેળવનાર મોટા ભાગના પ્રોફેસરો જે તે ભવનમાં સંશોધન કરનાર (phd) અને વિજિટિંગ લેક્ચરરોને કામ સોંપી પોતે યુની.એ ડોકતા જ નથી! પછી આમા ક્યાંથી વિદ્યાર્થીઓ ભવનોમા પ્રવેશ મેળવે ! સતાધિસોએ કોઇ દિવસ ભવનોમાં પ્રોફેસરો આવે છે કે નહીં અથવા તો ક્લાસમાં જઈ વિદ્યાર્થીઓ સાથે સવાંદથી તેઓને પડતી સમસ્યાઓ જાણવાની તસ્દી લીધી નથી જેના કારણે કામચોરો મફતનો પગાર મેળવ્યા કરે છે.

આજે મોટાભાગના ભવનોમાં ૭૦% સીટો ખાલી રહે છે અને NFDD જેવા કરોડના ખર્ચે બનાવેલા રિસર્ચ સેન્ટરોમા આજે તાળા લાગ્યા છે. રાજ્ય સરકાર આ બાબતે ગંભીરતાથી લઇ પ્રોફેસરોની તાકીદે પારદર્શકતાથી ગુજરાત સેવા આયોગ (GPSC) પાસે ભરતી કરાવી જોઈએ.

આમ યુનિવર્સિટીની શૈક્ષણિક અને વહીવટી રીતે કથળેલી પરિસ્થિતિનુ મુખ્ય કારણ રાજ્યસરકારની ઈચ્છા શક્તિનો અભાવ અને કૅમ્પસનું આંતરિક રાજકારણ છે. બીજી તરફ રાજ્યસરકાર ખાનગી યુનિવર્સિટીઓને ખટાવવા વિદ્યાર્થીઓને સ્નાતક કોર્ષમા પ્રવેશ મેળળવા GCAS પોર્ટલ પર ફરજીયાત રજિસ્ટેશનનો નિયમ લઇ આવી જેથી વિદ્યાર્થીઓને પોતાની મનપસંદ કોલેજમાં પ્રવેશ સમયસર ના મળવાની બીકે ખાનગી યુનિવર્સિટીઓમાં ના છૂટકે પ્રવેશ મેળવી લીધો છે.

વિદ્યાર્થીઓને રજીસ્ટેશન ફી અને એડમિશન ફી બંને ભરવી પડે છે અને વિદ્યાર્થીને ૧% પણ ઉપયોગી નથી એવી રાજ્ય સરકારની આ પ્રવેશ નીતિને કારણે સરકારી યુનિવર્સિટીઓમાં અને તેને સલગ્ન કોલેજોમાં આ વખતે સાવ ખાલીખમ રહેવાની છે. નવાઈની વાત એ છે સૌ.યુની. સલગ્ન રાજકોટની મોટાભાગની સરકારી અને ગ્રાન્ટેડ કોલેજો ધો.૧૨ ના પરિણામ બાદ હજુ ખાલીખમ છે.

આ પરથી સ્પષ્ટ કહી શકાય કે રાજ્ય સરકાર શિક્ષણના ખાનગીકરણ માટે સરકારી યુનિવર્સિટીઓ, સરકારી-ગ્રાન્ટેડ કોલેજો બંધ કરવામા માટે જે કરવુ પડે તે નીતિઓ લાગુ કરે છે જેથી ભવિષ્યમાં સરકારી યુની.મા તાળાઓ લાગશે એ પાક્કું છે. રાજ્યમાં ખાનગી યુનિવર્સિટોઓનો રાફડો ફાટ્યો છે ત્યારે માત્ર રાજકોટમા જ ચાર ખાનગી યુનિવર્સિટીઓ આવેલી છે જેમા ૩ યુનિવર્સિટીને ધારાધોરણ મુજબ સેલ્ફફાયનાન્સ કોલેજની મંજૂરી મળે તેવા પણ કેમ્પસ નથી છતા આજે શિક્ષણના નામે વેપલો ખોલીને વિદ્યાર્થીઓને ખુલ્લે આમ લૂંટે છે તે શરમજનક છે.

જ્યાં સૌ. યુનિવર્સિટીની સલગ્ન કોલેજોનો વિસ્તાર સમાવેશ થાય એવા રાજકોટ-જામનગર-અમરેલી-સુરેન્દ્રનગર વિસ્તારમાં કેન્દ્રસરકારના બે યુનિયન મિનિસ્ટર,રાજ્યસરકારના ત્રણ ત્રણ કેબિનેટ મિનિસ્ટરો,ભાજપના ૨ રાજ્યસભાના સાંસદો અને અનેક ધારાસભ્યો ,લોકસભાના સાંસદ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હોવા છતા વર્ષો જૂની આ સૌરાષ્ટ્ર યુની. ની અવદશાની ચિંતા કોઇ એ નથી કરી તે શર્મજનક છે.

ભાજપના નેતાઓને પોતાના મળતિયાવને કોલેજની મંજૂરીઓ અને પોતાના અંગતને કુલપતિની ખુરશીઓ માટે જ સરકારમા ધક્કાઓ ખાય છે એના કરતા સૌ રાજકીય-સામાજિક આગેવાનો અને શિક્ષણવિદો સૌ.યુની.ની અવદશા અંગે ચિંતા કરી સરકારમા રજૂઆત કરશે તો આ વિશ્વવિદ્યાલયમા અભ્યાસ કરતા લાખો વિદ્યાર્થીઓને અને આવનારી પેઢીને તેનો મોટો લાભ મળશે અન્યથા આવી જ હાલત રહેશે તો આવનારા ૫-૭ વર્ષમા આ વિશ્વવિદ્યાલયમા તાળા લગાવાની નોબત ઉભી થશે.

કોંગ્રેસના પ્રવક્તા રોહિતસિંહ રાજપૂતે રાજ્યની ભાજપ સરકાર પર આરટીઆઈ જવાબના આધારે આકરા પ્રહારો કર્યા હતા અને વધુમા જણાવ્યુ હતુ કે સમગ્ર રાજ્યની સરકારી યુનિવર્સિટીઓમાં આ કફોડી હાલત છે ત્યારે અમે આ ગંભીર બાબતે શિક્ષણમંત્રીને રજૂઆત કરવાના છે. વધુમાં જણાવ્યુ કે આવનાર ટૂંક સમયમાં “સૌરાષ્ટ્ર યુની. બચાવો અભિયાન”ચાલુ કરનાર છે જેમા રાજકીય-સામાજીક આગેવાનો,શિક્ષણવિદો,પત્રકારો,અધ્યાપકો,તમામ પક્ષના વિદ્યાર્થીનેતાઓ સાથે સંકલન કરી આ કમિટી બનાવીને વિશ્વવિદ્યાલયને બચાવવા સલાહો-ચર્ચાઓ-વિમર્શ કરીને જે ઘટતુ હશે તે કરીશુ.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો