ઉમરગામમાં શેડ અને ભુજમાં દીવાલ ધરાશાયી થઈ, એક બાળક સહિત બેનું મોત…

ઉમરગામ/ભુજ: ઔદ્યોગિક એકમોમાં અનેકવાર દુર્ઘટના સર્જાતી હોય છે. આજે તેમાં બે દુર્ઘટનાઓનો ઉમેરો થયો છે. વલસાડની ઉમરગામ જીઆઈડીસીની એક કંપનીમાં શેડ ધરાશાયી થતા એકનું મોત અને સાત લોકો ઇજાગ્રસ્ત થયા છે. સાથોસાથ ભુજની એક કંપનીમાં સિમેન્ટ બ્લોકની દીવાલ પડતા એક બાળકનું મૃત્યુ નિપજ્યું છે.
ઉમરગામ GIDCમાં એકનું મૃત્યુ, 7ને ઈજા
વલસાડની ઉમરગામ GIDCમાં જી. બી. પેક પ્રાઇવેટ લિમિટેડ નામની પ્લાસ્ટિક પ્રોડક્ટ બનાવતી કંપની આવેલી છે. વરસાદના કારણે કંપનીનો શેડ નબળી હાલતમાં હતો, જે આખરે સોમવારની સાંજે ધરાશાયી થયો હતો. શેડ ધરાશાયી થયો ત્યારે કંપનીમાં 8 લોકો કામ કરી રહ્યા હતા. દુર્ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ, પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી.
ઘટનાસ્થળે એક જણનું મોત
ફાયર વિભાગની ટીમે મનમહેન્દ્ર દાસ, શુભમ કુસ્વાહ, અમરનાથ સરોજ, શુભ લાડ, સુરેન્દ્ર બેહેરિયા, સાજીદ ખાન, વિકાસ ચૌધરી અને ભાવિન જોશી નામના કર્મચારીઓને કંપનીમાંથી બહાર કાઢ્યા હતા. જો કે, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા ભાવિન જોશીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ સિવાય ચાર કર્મચારીને સામાન્ય તથા ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બે બાળક પર દીવાલ પડી
ઉમરગામ GIDC જેવી એક દુર્ઘટના ભુજની એક ખાનગી કંપનીમાં પણ સર્જાઈ હતી. નાડાપાની બ્રાઇટ માઇક્રોન કંપનીમાં આવેલા રહેણાંકમાં મૂળ મધ્ય પ્રદેશના રહેવાસી એવા શ્રમજીવી બાબુ કટિયા ડામોરના બંને બાળકો સાહિલ અને પ્રેમ રસોડા પાસે સવારે રમી રહ્યા હતા. કોઈ અજ્ઞાત કારણોસર સિમેન્ટ બ્લોકની દીવાલ બંને બાળકો પર પડી હતી. જેથી બંને બાળકો દીવાલ તળે દબાઇ ગયા હતા.બંને ઘાયલ બાળકોને સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. બંને બાળકો પૈકી સાહિલનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. જેથી શ્રમજીવીના પરિવારમાં માતમ છવાયો હતો. જ્યારે પ્રેમની સારવાર ચાલુ છે.