સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સેમ. 5 અને 6 ની પૂરક પરીક્ષાઓ ન લેવાતા વિદ્યાર્થીઓ પરેશાન
![Sem by Saurashtra University. Students not taking supplementary exams of 5th and 6th are troubled](/wp-content/uploads/2024/06/Saurashtra-University.webp)
રાજકોટ: કાયમ વિવાદનું ઘર બની રહેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરીથી વિવાદમાં આવી છે. યુનિવર્સિટી દ્વારા સ્નાતક કોર્સના છેલ્લા પરિણામ જાહેર થઈ ચૂક્યા છે પરંતુ સેમ 5 અને 6ની એક બે પરીક્ષામાં એકથી બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓએ આવતા વર્ષે રેગ્યુલર પરીક્ષાઓ સુધી રાહ જોવી પડે છે અને આના કારણે આખું વર્ષ બગડે છે. જેની ફરિયાદો કોંગ્રેસના પ્રવક્તા રોહિત રાજપૂતને મળી હતી, જેને લઈને તેમણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરને અરજી કરીને છેલ્લા 8 વર્ષથી લેવાતી સપ્લીમેન્ટરી એકઝામ સત્વરે યોજવા માંગ કરવામા આવી હતી.
રોહિત રાજપૂતે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સેમેસ્ટર 5 અને 6 માં ફેલ થનાર વિદ્યાર્થીઓ માટેની પૂરક પરીક્ષાનું આયોજન છેલ્લા આઠ વર્ષથી કરી રહી છે પણ આ વર્ષે હજુ સુહિ આ બાબતે કઈ જાહેરાત કરવામાં આવી નથી અને આથી વિદ્યાર્થીઓ મુંજવણમાં મુકાયા છે.
ખાનગી યુનિવર્સિટીમાં સપ્લીમેન્ટરી એકઝામ પરિણામો જાહેર થયાના 15 દિવસમાં જ યોજાય જાય છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સાથે આવો અન્યાય કેમ કરવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા પણ ધોરણ 12 ની પૂરક પરીક્ષાઓ જાહેર થઈ ચુકી છે અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો પણ હવે પૂરક પરીક્ષાઓ યોજે તેવી માંગ છે. તેમણે કહ્યું હતું કે જો વિદ્યાર્થીઓ સમયસર પોતાનું ગ્રેજ્યુએશન પૂર્ણ કરે તો પરિવારને પણ આર્થિક મદદરૂપ બમી શકે છે.
આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ કોર્સમાં વર્ષ 2016 પહેલા પ્રવેશ મેળવેલા વિદ્યાર્થીઓને રેમીડિયલ પરીક્ષાઓ UGCના નિયમો મુજબ લેવાતી નથી તેવી પણ અમને વિદ્યાર્થીઓ પાસેથી અરજી મળી છે. અનેક વિદ્યાર્થીઓને એક વિષયના લીધે ગ્રેજ્યુએશન ફરીથી કરવું પડે તેવી સ્થિતિમાં આવીને ઊભા છે.
તો હવે યુનિવર્સિટીના સત્તાધીશો પોતાની સત્તાનો ઉપયોગ કરી વિદ્યાર્થીલક્ષી નિર્ણય લે તેવી અમારી માંગ છે. પરંતુ જો સમયસર આ માંગો સ્વીકારવામાં નહિ આવે તો વિદ્યાર્થીઓની સાથે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેમ જણાવ્યું હતું.