Top Newsઆપણું ગુજરાત

રાજસ્થાનથી લઈને ગુજરાત સુધી શા માટે ઉઠ્યો ‘અરવલ્લી બચાવો’ના નાદ? જાણો શું છે સમગ્ર વિવાદ…

જયપુર/અમદાવાદ: ભારતના પશ્ચિમ ભાગ તરફ નજર કરીએ ત્યારે ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાનની સળંગ લંબાઈમાં થઈને જનોઈવઢ પસાર થતી, દક્ષિણમાં ગુજરાત સુધી વિસ્તરેલી એક સળંગ પર્વતમાળા જોવા મળે છે અને તે છે વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળામાં જેની ગણના થાય છે તે અરવલ્લીની પર્વતમાળા. અરવલ્લીની પર્વતમાળા હિમાલય કરતા પણ જૂની છે. પરંતુ હાલ આ પર્વતમાળાના અસ્તિત્વ પર ખતરો મંડરાઈ રહ્યો છે. કારણ કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે તેવી સરકારની ભલામણને માન્ય રાખી હતી અને અહીથી જ શરૂ થયું છે ‘અરવલ્લી બચાવો’ આંદોલન.

સુપ્રીમ કોર્ટે શું સ્વીકારી ભલામણ?
11 ડિસેમ્બર 2025ના રોજ ‘આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ’થી આ અરવલ્લી બચાવો’ અભિયાનની શરૂઆત થઈ. હકીકતમાં, અરવલ્લી પર્વતની ઊંચાઈની મર્યાદા નક્કી કરવામાં આવ્યા બાદ તેના અસ્તિત્વ પર સંકટ ઊભું થયું છે. 20 નવેમ્બર 2025ના રોજ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની એ ભલામણને સ્વીકારી લીધી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે હવે માત્ર 100 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા પહાડને જ ‘અરવલ્લી પર્વત’ માનવામાં આવશે. 100 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતી સંરચનાઓ અરવલ્લી પર્વતનો ભાગ ગણાશે નહીં. આ નિર્ણયને કારણે હવે 90 ટકા પહાડીઓ અરવલ્લીનો હિસ્સો નહીં ગણાય. આવું થવાથી આ પહાડીઓ સંરક્ષણમાંથી બહાર થઈ જશે અને ત્યાં ગેરકાયદે ખનનનો ભય વધી જશે.

ગુજરાતમાં પણ શરૂ થશે અરવલ્લી બચાવો આંદોલન
આ મુદ્દે દેશમાં અરવલ્લીને બચાવવા માટે એક જન આંદોલનના મંડાણ થયા અને આ નિર્ણયને લઈને વિરોધ પક્ષો અને સામાજિક સંગઠનોએ ઉગ્ર વિરોધ બોલાવ્યો છે. પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે ‘સેવ અરવલ્લી’ (Save Aravali) કેમ્પેઈન શરૂ કર્યું છે, તો કોંગ્રેસના અનેક નેતાઓએ પોતાના સોશિયલ મીડિયાની ડીપી (DP) બદલી નાખી છે. ગેહલોત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા પ્રતાપ સિંહ ખાચરિયાવાસ રવિવારે આ મુદ્દે મૌન સત્યાગ્રહ કરવાની પણ જાહેરાત કરી છે. હવે આ આંદોલનની અસર ગુજરાતમાં પણ જોવા મળવાની છે, કારણ કે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલે આ માટે અપીલ કરી હતી અને તેમણે જણાવ્યુ હતું કે ખેતી, પ્રકૃતિની રક્ષા માટે અરવલ્લીની ગિરિમાળા જરૂરી છે.

ઉદયપુરમાં વકીલોએ નોંધાવ્યો વિરોધ
‘અરવલ્લી બચાવો’ મુહિમને રાજસ્થાન સહિત દેશભરમાં વ્યાપક સમર્થન મળી રહ્યું છે, જેના ભાગરૂપે આજે ઉદયપુરમાં વકીલોએ રસ્તા પર ઉતરીને ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. ઉદયપુર બાર એસોસિએશનના નેજા હેઠળ મોટી સંખ્યામાં એકઠા થયેલા વકીલોએ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. વકીલોના ભારે રોષ અને ભીડને જોતા પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સાવચેતીના ભાગરૂપે કલેક્ટર કચેરીની બહાર બેરિકેડિંગ પણ કરવામાં આવ્યું હતું. બાર એસોસિએશને અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે નક્કર નીતિઓ બનાવવાની માંગ કરી છે. આ સાથે જ વકીલોએ સરકાર પાસે માંગ કરી છે કે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય સામે તત્કાલ ‘પુનર્વિચાર અરજી’ (Review Petition) દાખલ કરવામાં આવે, જેથી આ પ્રાચીન પર્વતમાળાના અસ્તિત્વને બચાવી શકાય.

ભારતની જ નહીં વિશ્વની પ્રાચીન પર્વતમાળા
ઉલ્લેખનીય છે કે અરવલ્લી પર્વતમાળા ઉત્તર-પશ્ચિમ ભારતની એક પર્વતશૃંખલા છે. ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને મધ્યમાં રાજસ્થાનની સળંગ લંબાઈમાં થઈને જનોઈવઢ પસાર થતી, દક્ષિણ ગુજરાત સુધી વિસ્તરેલી અને આશરે 800 કિમી. લંબાઈવાળી છે. તેનું સૌથી ઊંચું શિખર રાજસ્થાનમાં માઉન્ટ આબુ ખાતે આવેલું ‘ગુરુ શિખર’ છે. ગુજરાતમાં તે ઉત્તર ભાગમાં અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં વિસ્તરેલી છે. અરવલ્લીની ગિરિમાળા ભારતની તો અતિ પ્રાચીન પર્વતમાળા છે જ, પરંતુ દુનિયાની પણ અતિપ્રાચીન પર્વતમાળાઓ પૈકીની એક ગણાય છે. તેનાં 1,200થી 1,500 મીટર ઊંચાઈ ધરાવતાં શિખરો પૈકી માઉન્ટ આબુનું 722 મીટર ઊંચું ગુરુશિખર આ ગિરિમાળાનું સૌથી ઊંચું શિખર છે.

આ પણ વાંચો…PM મોદીનો મોટો નિર્ણય, વિશ્વની સૌથી જૂની અરવલ્લીની ગિરિમાળાઓ હવે બનશે ગ્રીન વોલ

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button