સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર સબ જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ: ત્રણ કેદી ઘાયલ…

સુરેન્દ્રનગર: જિલ્લાની સબ જેલમાં કેદીઓ વચ્ચે થયેલી અથડામણને કારણે જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જેલની અંદર જ રીઢા કેદીઓએ એકબીજા પર ઘાતક હથિયારો વડે હુમલો કરતા ત્રણ કેદીઓ લોહીલુહાણ થયા હતા. ઇજાગ્રસ્ત થયેલા યાકુબ પઠાણ, અજીત મકવાણા અને ચેતનસિંહને તાત્કાલિક સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, પૈકી એક કેદીની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યો છે.

આ હુમલાની ઘટના પાછળ જેલમાં ક્ષમતા કરતા વધુ કેદીઓનો ભરાવો હોવાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. સુરેન્દ્રનગર સબ જેલની કુલ ક્ષમતા ૧૨૫ કેદીઓની છે, જેની સામે હાલ ૩૦૦થી વધુ કેદીઓને ત્યાં રાખવામાં આવ્યા છે. ધ્રાંગધ્રાની જેલ બંધ થતા ત્યાંના કેદીઓને પણ અહીં શિફ્ટ કરાતા અવારનવાર ઘર્ષણના બનાવો બની રહ્યા છે. પ્રાથમિક તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, જેલમાં સવલતો ન મળતી હોવાથી જેલનું તંત્ર ખોરવવા અને જેલની બહાર આવવાના કાવતરાના ભાગરૂપે આ હુમલો કરાયો હોઈ શકે છે.

ઘટનાને પગલે સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ હતી. ઇજાગ્રસ્ત કેદીઓ ગંભીર ગુનાના આરોપીઓ હોવાથી હોસ્પિટલમાંથી નાસી ન જાય તે માટે સિટી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બીજી તરફ, જેલના ઉચ્ચ અધિકારીઓએ જેલની મુલાકાત લઈ તપાસ શરૂ કરી છે. જેલની અંદર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડનારા કેદીઓની ઓળખ કરી લેવામાં આવી છે.

હુમલાની ઘટના બાદ જેલ પ્રશાસને હવે કડક વલણ અપનાવતા માથાભારે કેદીઓની યાદી તૈયાર કરી છે. આ તોફાની કેદીઓને ટૂંક સમયમાં અમદાવાદની સાબરમતી જેલ અથવા રાજ્યની અન્ય જેલોમાં ટ્રાન્સફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડાને પણ આ અંગે રજૂઆત કરવામાં આવી છે, જેથી જેલની શિસ્ત જળવાઈ રહે અને ભવિષ્યમાં આવા બનાવો અટકાવી શકાય.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button