Breaking: અમિત ખૂંટ કેસમાં કૉંગ્રેસી નેતા સહિત ત્રણની અટકાયત

રાજકોટઃ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ખળભળાટ ફેલાવનારા અમિત ખૂંટ આત્મહત્યા રેસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ઈન્સ્ટાગ્રામ પર મળેલી ગર્લફ્રેન્ડે બળાત્કારનો કેસ કર્યા બાદ અમિતનો મૃતદેહ તેની વાડીમાં લટકતો મળ્યો હતો. અમિતે મળવા બોલાવી, નશીલું પીણું પીવડાવી અવાવરૂ જગ્યામાં બળાત્કાર કર્યાની ફરિયાદ બાદ રિબડા, ગોંડલ સહિતના સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ હતી અને રાજકીય ગરમાવો આવ્યો હતો. જોકે આ મામલે પરિવારે મૃતદેહ ન સ્વીકારી આ હની ટ્રેપનો મામલો હોવાની શંકા વ્યક્ત કરતા અને પોલીસ તપાસની માગણી કરતા મામલાએ અલગ દિશા પકડી હતી. પોલીસે સઘન પૂછપરછ કરતા સમગ્ર કેસ આત્મહત્યા અને બળાત્કારને બદલ હનીટ્રેપમાં પલટી ગયો હતો ત્યારે આ મામલે પોલીસે આજે કાર્યવાહી કરી છે અને આ સંદર્ભે કૉંગ્રેસી નેતા અને વકીલની ધરપકડ કરતા મામલો વધારે ગરમાશે તેમ જણાઈ રહ્યું છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા સમગ્ર ઘટના પરથી પડદો ઉચકાયો હતો અને યુવતીને સમગ્ર ઘટનાનું કાવતરું રચવા માટે કહેનારા કોંગ્રેસના નેતા દિનેશ પાતર અને વકીલ સંજય પંડીતની રાજકોટ ગ્રામ્ય પોલીસે ધરપકડ કરી છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી અને તેની બહેનપણી પૂજા રાજગોરનાં નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં પૂજા રાજગોર દ્વારા પોલીસને જણાવવામાં આવ્યું હતું કે કે એડવોકેટ સંજય પંડિત અને કોંગ્રેસી નેતા દિનેશ પાતરે અમિત ખૂંટને સોશિયલ મીડિયાની મદદથી ફસાવી, તેની સાથે શરીર સંબંધ બાંધી તેને ફસાવી મોટી રકમ વસૂલવા માટે આ યુવતીને કહ્યું હતું. યુવતી મોડેલિંગ સાથે જોડાઈ હોવાથી અને સોશિયલ મીડિયામાં એક્ટિવ હોવાથી તેણે અમિતને પોતાની જાળમાં ફસાવ્યો હતો.
આ કેસમાં પોલીસે દિનેશ પાતર, સંજય પંડિત અને પૂજા રાજગોરની પોલીસે અટકાયત કરી વધારે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો….ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડ દ્વારા બળાત્કારનો આરોપ લાગતા તપાસ પહેલા જ યુવાનનો આપઘાત