તરણેતરના મેળામાં ગ્રામીણ પ્રતિભાને મળશે નવું પ્લેટફોર્મ, જાણો વિગત | મુંબઈ સમાચાર
સુરેન્દ્રનગર

તરણેતરના મેળામાં ગ્રામીણ પ્રતિભાને મળશે નવું પ્લેટફોર્મ, જાણો વિગત

સુરેન્દ્રનગરઃ તરણેતરનો મેળો, જેને ગુજરાતની સંસ્કૃતિનો ધબકાર માનવામાં આવે છે, તે માત્ર શિવપૂજા અને લોકમેળાનું સ્થળ નથી, પરંતુ ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, કલા અને પરંપરાઓને જીવંત રાખતું એક ઉત્તમ પ્લેટફોર્મ પણ છે.

ગુજરાત સરકારના યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આયોજિત વિવિધ પરંપરાગત સ્પર્ધાઓ આ મેળાનું મુખ્ય આકર્ષણ છે. આ સ્પર્ધાઓ ગ્રામ્ય યુવાનોને તેમની અદ્ભુત પ્રતિભા અને કલા-કૌશલ્યો પ્રદર્શિત કરવાની તક સાથે જ આપણી પ્રાચીન સંસ્કૃતિને નવી પેઢી સુધી પહોંચાડવાનું મહત્ત્વપૂર્ણ કાર્ય કરે છે.

આપણ વાંચો: આસ્થા, લોકસંસ્કૃતિ અને ઉલ્લાસનો ત્રિવેણી સંગમ એટલે તરણેતરનો મેળો! જ્યાં થાય છે ગંગાજીનું અવતરણ…..

આ વર્ષે પણ દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ગયા વર્ષે કુલ ૨૬ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આ વર્ષે ઘન વાદ્યની પાંચ નવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ઝાંઝ, મંજીરા, કરતાલ, શંખ, ભૂંગળ અને ઝાલર જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરી લુપ્ત થઈ રહેલી કલાઓને ફરીથી જીવંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ નવી સ્પર્ધાઓના ઉમેરા સાથે, આ વર્ષે કુલ ૩૧ સ્પર્ધાઓ યોજાશે.

આ સ્પર્ધાઓના વિજેતાઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને અનુક્રમે રૂ. ૧૦૦૦, રૂ. ૭૫૦ અને રૂ. ૫૦૦ના રોકડ પુરસ્કારો તેમજ મોમેન્ટો, શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે. આ પૈકી ૨૯ સ્પર્ધાઓ સ્ટેજ પર યોજાશે, જ્યારે ‘શ્રેષ્ઠ રાવટી’ અને ‘શ્રેષ્ઠ ખૈલૈયા’ જેવી બે સ્પર્ધાઓમાં નિર્ણાયકો સ્થળ પર જઈને મૂલ્યાંકન કરશે.

આપણ વાંચો: ગુજરાતના મંદિરો અને આશ્રમોમાં ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, શિષ્યોએ ગુરુચરણોમાં શીશ ઝૂકાવીને આશીર્વાદ લીધા…

તરણેતર મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોના ભાગરૂપે, તા. ૨૬ થી ૨૮ ઓગસ્ટ એમ ત્રણ દિવસ સુધી સાંજે પ્રવાસન વિભાગના સ્ટેજ પર લોકડાયરા અને રાસગરબા જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

દ્વિતીય ગ્રામીણ પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓમાં સુરેન્દ્રનગર જિલ્લાના ભાઈઓ અને બહેનો માટે પરંપરાગત વેશભૂષા, છત્રી સજાવટ, પારંપરિક ભરતગુંથણ, લોકગીત, લોકવાર્તા, ભજન, દુહા-છંદ, ડાક ડમરું (ગાયન સાથે), વાંસળી, સિંગલ પાવા, જોડીયા પાવા, એકપાત્રીય અભિનય (ઐતિહાસિક/ ધાર્મિક પાત્રો), રાવણહથ્થો (ગાયન સાથે), રાસ (શહેરી/ ગ્રામ્ય), ભવાઈ, બહુરૂપી, હુડો રાસ, લોકનૃત્ય, મોરલી, શરણાઈ, એકલ નૃત્ય (સોલો ડાન્સ), લાકડી ફેરવવી, ઢોલ, ઝાંઝ મંજીરા, કરતાલ, ભૂંગળ, ઝાલર, શંખ જેવી પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button