ચુડાના છત્રિયાળામાં મહિલા સરપંચ અને તેના પરિવાર પર હૂમલો, જાણો શું હતો સમગ્ર મામલો…

સુરેન્દ્રનગરમાં ચુડાના છત્રિયાળા ગામમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. મળતી જાણકારી પ્રમાણે પાણીની લાઈન બાબતે મહિલા સરપંચ, તેમના પતિ અને દીકરા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સાત જેટલા શખ્સોએ લોકો પર હુમલો કર્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
હુમલા બાદ ઘાયલ પિતા, પુત્રને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ચુડા અને ત્યાંથી સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યાં હતા. આ સમગ્ર મામલે હુમલાખોરો સામે પોલીસે ફરિયાદ નોંધીને આગળની તપાસ શરૂ કરી દીધી છે.
હુમલો અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી
આ સમગ્ર ઘટના અંગે મહિલા સરપંચ હંસાબેનના પતિ હરજીભાઈ નાકિયાએ કહ્યું કે, હું અને મારો દીકરો શૈલેષ ગામાં સફાઈનું કામ કરાવી રહ્યાં હતાં. આ દરમિયાન ઓધનજી અણિયાલી આવ્યાં અને કહેવા લાગ્યાં કે અમારે ત્યાં પાણીની લાઈન ક્યારે નાંખશો?
આવું કહીને અમારી સાથે બોલાચાલી કરી હતી. આ દરમિયાન નાનજી અણિયાળીયા, ઘનશ્યામ અણિયાળીયા, ઘનશ્યામ કેહુભાઈ, મકન અણિયાળીયા અને 2 યુવકે ઓધવજી સાથે મળીને મારા અને મારા દીકરા પર હુમલો કર્યો હતો.
મહિલા સરપંચને પણ ગાળો બોલીને ઢીકાપાટુનો માર માર્યો
વધુમાં હરજીભાઈ નાકિયાએ જણાવ્યું કે, ‘આ બનાવ અંગે મારી સરપંચ પત્નીને ખબર પડી તો તે પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.જેથી આ લોકોએ મારી પત્નીને અપશબ્દો બોલીને ઢીકાપાટુનો માર માર્યો હતો’ હરજીભાઈ નાકિયાના જણાવ્યાં પ્રમાણે હુમલો કરીને તે લોકો ભાગી ગયા હતા.
જીવલેણ હુમલા અંગે ફરિયાદ નોંધાવી દેવામાં આવી છે. ચુડા તા.પંચાયતના પૂર્વ પ્રમુખ તનકસિંહ રાણાએ જણાવ્યું હતું કે, ચુડા તાલુકામાં આવી છાશવારે મારામારીની ઘટનાઓ બનતી રહે છે. આ માટે કોઈ નકર કાર્યવાહી થવી જરૂરી છે.
આ પણ વાંચો…સાયલામાં કિન્નરોના ઘરમાં ચોરીથી ચકચાર, છત તોડીને રોકડા ₹40,000ની ચોરી