સુરેન્દ્રનગરમાં પાટડી પાસે ઠંડા પીણાની આડમાં વેચાતો 61 લાખનો વિદેશી દારૂ ઝડપાયો…

સુરેન્દ્રનગરઃ ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ માત્ર કાગળો પર જ! કારણ કે ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાંય રાજ્યમાં દારૂ ઘૂસાડવા બુટલેગરો અવનવા કીમિયો અપનાવતા હોય છે. આવી જ એક ઘટના સુરેન્દ્રનગરમાંથી પ્રકાશમાં આવી છે. સુરેન્દ્રનગર એલસીબી પોલીસે પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસે પોલીસે એક ટ્રકમાંથી વિદેશી દારૂની 5,556 બોટલો જપ્ત કરી છે. આરોપીઓએ દારૂની હેરાફેરી માટે ઠંડા પીણાની બોટલોનો ઉપયોગ કર્યો હતો. પોલીસે આરોપીઓ સાથે કુલ 61.04 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે બે આરોપી સાથે 61.04 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
વધારે વિગતે વાત કરવામાં આવે તો, એલસીબી પોલીસે રાજસ્થાનના બાડમેરના સુજારામ કાનારામ દેવાસી અને દીપારામ મોડારામ દેવાસીની ધરપકડ કરી છે. સાંચોરના ઓમપ્રકાશ બિશ્નોઈ સહિત બે અજાણ્યા આરોપીઓ હજુ ફરાર થઈ ગયા છે. પકડાયેલા મુદ્દામાલમાં વિદેશી દારૂની 3,420 બોટલો અને 2,136 બીયર ટીન, બે મોબાઈલ ફોન, એક ટ્રક અને 1,320 ઠંડા પીણાની બોટલોનો સમાવેશ થાય છે. બજાણા પોલીસ મથકે ગુનો નોંધી ફરાર આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ ક્યાં થાય છે?
સુરેન્દ્રનગર એલસીબીના પીઆઈ અને પેરોલ ફ્લો સ્કોડના પીએસઆઈની આગેવાની હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસને માલવણ-ધ્રાંગધ્રા હાઈવે પર અખિયાણા-પીપળી ગામના બોર્ડ નજીક આવેલી એક હોટલ પાસેથી રાજસ્થાન પાસિંગની ટ્રક મળી આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થતો હોવાની વાતો પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ અવારનવાર પોલીસના હાથે ઝડપાતો લાખો રૂપિયાનો દારૂ અને આરોપી બુટલેગરો જ આ વાતનો છેદ ઉડાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં દારૂ વેચાઈ રહ્યો છે અને પીવાઈ પણ રહ્યો છે તેના માટે કોણ જવાબદાર છે? ગુજરાતમાં આટલો દારૂ કોની રહેમ નજર હેઠળ આવે છે? આવા પ્રશ્ને સામાન્ય વ્યક્તિને પણ થઈ રહ્યાં છે.