મુળીના ખાખરાળી ગામે લોડર સાથે 150 ફૂટ ઊંડા કૂવામાં યુવક ખાબક્યો, બચાવ કામગીરી શરૂ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં મુળીના ખાખરાળી ગામે ખનીજના કૂવામાં લોડર સાથે યુવાન ખાબક્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. મુળીના ખાખરાળી ગામે 150 ફૂટ ઊંડા કૂવામાં લોડર સાથે યુવાન પડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા ચોટીલા પ્રાંત અધિકારી, સુરેન્દ્રનગર ફાયર વિભાગ અને રાજકોટ ફાયર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.
લોડરને નીકળ્યા બાદ યુવકના મૃતદેહ બહાર નીકાળી શકાશે
યુવકને બચાવવા માટે તમામ પ્રકારના પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે પરંતુ 24 કલાક કલાક વિતવા છતાં સફળતા મળી નથી. આ ખાડો 15 ફૂટ પહોળો હોવાથી લોડર અંદર જઇને વળી જતાં યુવક પણ નીચે દબાઇ ગયો હતો. જેથી પહેલા હવે લોડરને ક્રેનની મદદથી નીકળ્યા બાદ જ યુવકનો મૃતદેહ બહાર નીકાળી શકાશે. યુવકનું મૃત્યું થયું હોવાની પણ પુષ્ટિ કરી લેવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
6 મહિના પહેલાં જ થયા હતા યુવકના લગ્ન
આ સમગ્ર મામલે મુળી પોલીસ પણ પહોંચી ઘટનાસ્થળે ગઈ હતી. યુવક અને લોડરને બહાર કાઢવા માટે તંત્ર દ્વારા છેલ્લા 24 કલાકથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. યુવક ખનીજના કુવામાં પડ્યાને 24 કલાકનો સમય થયો છતાં હજુ પણ બહાર કાઢ્યો નથી. અત્યારે ક્રેન, જેસીબી અને બે ફાયર ફાઈટર સહિતની ટીમ રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. સ્થાનિકોએ કહ્યું કે, તંત્રની રેડ બાદ કામગીરી તો બંધ કરી દેવામાં આવી હતી પરંતુ કૂવા હજી પણ ચાલુ સ્થિતિમાં હોવાથી આ દુર્ઘટના સર્જાઈ છે. જે યુવકનું અત્યારે મોત થયું છે તેના 6 મહિના પહેલાં જ લગ્ન થયા હતાં. અત્યારે મૃતકના પરિવાર સહિત પંથકમાં ભારે શોકનો માહોલ જોવા મળ્યો છે.