સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલ સસ્પેન્ડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં થઈ કાર્યવાહી…

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર મુદ્દે છેલ્લા કેટકાય દિવસથી સતત ચર્ચા ચાલી રહી છે. જમીન NA કરવા 10 કરોડથી વધુની લાંચ લીધાના આરોપમાં પૂર્વ કલેક્ટર રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. 1500 કરોડના જમીન કૌભાંડમાં ઈડી દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ સુરેન્દ્રનગર જિલ્લાના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલની 2જી જાન્યુઆરીએ ધરપકડ કરી હતી. ધરપકડ બાદ હવે તંત્ર દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી અને રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપવામાં આવ્યાં
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઈડી દ્વારા કરવામાં આવેલી તપાસમાં 10 કરોડથી વધુ રૂપિયાની લાંચ લેવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. જેથી રાજેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી અને અમદાવાદ કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માગ્યા હતા. જોકે, કોર્ટ દ્વારા 7 જાન્યુઆરી સુધીના રિમાન્ડ આપવામાં આવ્યાં હતા. આજે રાજેન્દ્ર પટેલને સસ્પેન્ડ પણ કરી દેવામા આવ્યાં છે. આ કેસમાં હજી તપાસ ચાલી રહી છે. ઈડી દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે, જેથી આ 1500 કરોડના કૌભાંડમાં અન્ય પણ નામો ખુલે તેવી આશંકાઓ છે.

છેલ્લા ચાર જ વર્ષમાં એક બે નહીં પરંતુ ચાર કલેક્ટરને સસ્પેન્ડ
એક ચોંકાવનારી વાત એ છે કે, ગુજરાતમાં છેલ્લા ચાર જ વર્ષમાં એક બે નહીં પરંતુ ચાર કલેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ તમામ પર જમીન કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. નામની વાત કરવામાં આવે તો, ડી.એસ.ગઢવી, આયુષ ઓક, કે.રાજેશ બાદ હવે ડૉ.રાજેન્દ્ર મહેન્દ્ર પટેલે જમીન કૌભાંડમાં સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. માત્ર કલેક્ટર જ નહીં પરંતુ અન્ય પણ ઘણાં અધિકારીઓ છે જેમના પર છેલ્લા 10 વર્ષમાં ભ્રષ્ટાચાર, લાંચ, જમીન કૌભાંડ, ટેન્ડર ગેરરીતિ અને નૈતિક અધ:પતન જેવા ગંભીરે આરોપ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.
ઈડી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે નાયબ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ચંદ્રસિંહ મોરીએ જણાવ્યું હતું કે લાંચના પૈસામાંથી 50% કલેક્ટર ડૉ. રાજેન્દ્ર પટેલને, 25% રહેણાંક વધારાના કલેક્ટર આર.કે. ઓઝાને, 10% મોરી અને મામલતદાર મયુર દવેને અને 5% ક્લાર્ક મર્યુસિંહ ગોહિલને મળ્યા હતા. ઈડીએ એવો પણ દાવો કર્યો હતો કે પટેલના અંગત મદદનીશ તેમના વતી લાંચ એકત્રિત કરતા હતા અને બાદમાં તેમને સોંપતા હતા.
આ પણ વાંચો…1500 કરોડના જમીન કૌભાંડમાં કયા જિલ્લાના કલેકટરની થઈ ધરપકડ ?


