સુરેન્દ્રનગર જિલ્લામાં LPG સિલિન્ડરના ગેરકાયદે સંગ્રહ અને વેચાણ પર તંત્રની મોટી કાર્યવાહીઃ 7.16 લાખનો મુદ્દામાલ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)
સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં LPG સિલિન્ડરના ગેરકાયદે વેચાણ અને સંગ્રહ સામે કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના આદેશ હેઠળ ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
આ ઝુંબેશના ભાગરૂપે જિલ્લા પુરવઠા અધિકારી એજી ગજ્જર અને તેમની ટીમ દ્વારા લીંબડી-ધંધુકા હાઈવે પર આવેલ શ્રી રામ રેસ્ટોરાં ખાતે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન કુલ મળીને 7 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે.
આપણ વાચો: ગુડ ન્યૂઝ! નવેમ્બરની શરૂઆતમાં જ ઘટયા LPG સિલિન્ડરના ભાવ! જાણો કેટલું સસ્તું થયું?
કાર્યવાહી દરમિયાન 54 એલપીજી સિલિન્ડર મળ્યા
આ અંગે વધુ વિગતો આપતા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસણી દરમિયાન રેસ્ટોરન્ટના કમ્પાઉન્ડમાં જાહેર સ્થળે LPG કમર્શિયલ સિલિન્ડરનો અનધિકૃત સંગ્રહ અને વેચાણ થતું હોવાનું જાણવા મળ્યું હતું.
સ્થળ પરથી Go Gasના સંચાલક કિશનભાઈ દશરથભાઈ પાડલીયા અને Earth Gasના સંચાલક દશરથભાઈ પાડલીયા દ્વારા સંગ્રહ કરાયેલા 16 ભરેલા અને 38 ખાલી સિલિન્ડર એમ કુલ મળીને 54 એલપીજી સિલિન્ડર મળી આવ્યાં હતાં.
આપણ વાચો: જયપુર-અજમેર હાઇવે પર LPG સિલિન્ડર ભરેલા ટ્રકના અકસ્માતથી ફાટી વિકરાળ આગ, સદનસીબે જાનહાની ટળી…
તંત્ર દ્વારા 7.16 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત
વધારે વિગતે વાત કરવામાં આવે તો, સંચાલકો પાસે આ જથ્થાના સંગ્રહ કે વેચાણ માટે કોઈ પણ પ્રકારના લાઇસન્સ/પરવાના, PESO લાઇસન્સ, કે ફાયર સેફ્ટીની મંજૂરી ન હોવા છતાં, તેઓ જાહેર સલામતીની પરવા કર્યા વગર ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવી રહ્યા હતા.
આ ગંભીર બેદરકારી બદલ તેમની સામે ત્વરીત કાર્યવાહી કરીને ગેરકાયદે સંગ્રહ કરેલા 1,41,900 રૂપિયાની કિંમતના 54 સિલિન્ડર, રૂપિયા 5,75,000/-નું એક વાહન એમ કુલ મળીને રૂપિયા 7,16,900/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ સાથે હવે આગળની કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે.



