સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના ચોરવીરા ગામની સીમમાં SOG પોલીસે ગેરકાયદે ખનીજ ચોરી ઝડપી, લાખોનો મુદ્દામાલ જપ્ત

(અમારા પ્રતિનિધિ તરફથી)

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ બનેલા ખનીજ માફિયાઓ સામે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સુરેન્દ્રનગર જિલ્લા (SOG) પોલીસ ટીમે મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે ચાલતા કાર્બોસેલ ખનીજના ખનન પર પોલીસે ત્રાટકીને મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. SOG દ્વારા છેલ્લા 24 કલાકમાં ખનીજ ચોરી સામે આ બીજો મોટો દરોડો પાડવામાં આવ્યો છે.

દરોડા દરમિયાન 20 થી વધુ કોલસાના કૂવાઓ મળી આવ્યા

વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસના દરોડા દરમિયાન ચોરવીરાના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા 20 થી વધુ કોલસાના કૂવાઓ મળી આવ્યા હતા. ખનીજ માફિયાઓ અત્યંત જોખમી રીતે જમીનમાં ઊંડા કૂવા ખોદીને કાર્બોસેલ કાઢતા હતા. એટલું જ નહીં પરંતુ ઘટનાસ્થળેથી 15 જેટલી ચરખીઓ અને અન્ય સાધન-સામગ્રી સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ વિસ્તાર અગાઉ પણ ખનીજ ચોરી માટે ચર્ચામાં રહ્યો છે, તેમ છતાં માફિયાઓ બેફામ હોવાનું બહાર આવ્યું હતું.

50 જેટલા શ્રમિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું

આ દરોડાની સૌથી મહત્વની બાબત એ રહી કે, પોલીસે કૂવાઓમાં ઉતરીને જીવના જોખમે કામ કરી રહેલા 50 જેટલા શ્રમિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું. ઊંડા ખાડાઓમાં સુરક્ષાના કોઈ પણ સાધનો વગર આ શ્રમિકો પાસે મજૂરી કરાવવામાં આવતી હતી. પોલીસે તમામ શ્રમિકોને સલામત રીતે બહાર કાઢીને તેમની પૂછપરછ હાથ ધરી છે. આવી કાર્યવાહી કરવામાં આવી હોવાના કારણે માફિયાઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. લોકોનું કહેવું છે કે, આ માફિયાઓ સામે આવી કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.

આ પણ વાંચો ગાંધીનગરના કુખ્યાત ભરત રબારી સહિત છ શખ્સો સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી, અજમલ રબારીની ધરપકડ

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button