સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરના સાયલામાં કપાસની આડમાં ગાંજાનું મસમોટું વાવેતર ઝડપાયું, SOGએ કરી કાર્યવાહી…

સુરેન્દ્રનગર: જિલ્લામાં ગેરકાયદેસર નશીલા પદાર્થોના વેચાણ અને વાવેતર સામે પોલીસ દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસને સાયલા તાલુકાના ખીટલા ગામમાં એસઓજી પોલીસે બાતમીના આધારે એક ખેતરમાં દરોડો પાડીને કપાસના વાવેતરની આડમાં છુપાવેલું ગાંજાનું મસમોટું વાવેતર ઝડપી પાડ્યું છે. કરોડો રૂપિયાના આ જથ્થા સાથે વાડી માલિકની ધરપકડ કરીને પોલીસે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સિસ (NDPS) એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આટલો મોટો જથ્થો ઝડપાતાં જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે.

એસઓજી પોલીસને મળેલી સચોટ બાતમીના આધારે સાયલા તાલુકાના ખીટલા ગામની પામર નામની સીમમાં સ્થિત રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ ભૂપતભાઈ ખવડની વાડી પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે જ્યારે સ્થળ પર તપાસ કરી ત્યારે કપાસના ઊંચા છોડની વચ્ચે છુપાવેલા મોટા પ્રમાણમાં ગાંજાના છોડ જોઈને પોલીસ ટીમે પણ આશ્ચર્ય અનુભવ્યું હતું.

પોલીસે સ્થળ પરથી પોણા ત્રણ કરોડની બજાર કિંમતના કુલ 180 લીલા ગાંજાના છોડ જપ્ત કર્યા હતા, જેનું વજન 559 કિલો અને 700 ગ્રામ જેટલું થતું હતું. આ વિશાળ જથ્થો એટલો મોટો હતો કે તેને ખેતરમાંથી ઉખાડીને કબજે કરવા માટે 12 જીઆરડી જવાનોની મદદ લેવી પડી હતી અને આ કામગીરી આશરે 19 કલાક સુધી ચાલી હતી. છોડની લંબાઈ વધુ હોવાથી, તેને પ્લાસ્ટિકના મોટા કંતાનોમાં સીલ કરીને આખો ટ્રેક્ટર ભરીને ધજાળા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આટલા મોટા પાયે ગાંજાનું વાવેતર જિલ્લામાં ભાગ્યે જ જોવા મળ્યું છે. આરોપી રાજુ ખવડ આ ગાંજાનું વાવેતર પોતાના અંગત વપરાશ ઉપરાંત અન્ય ગાંજાના બંધાણીઓને વેચવા માટે કરતો હોવાનું બહાર આવ્યું છે. આ ઓપરેશનમાં એસઓજી ટીમે એક ખાસ રણનીતિ અપનાવી હતી.

ટીમે પહેલા સ્થળની રેકી કરીને વાવેતરની પુષ્ટિ કરી હતી અને ત્યારબાદ દરોડો પાડતા પહેલા આરોપી રાજુ ખવડની ધરપકડ કરી લીધી હતી, જેથી તે દરોડા દરમિયાન નાસી ન જાય. ગાંજાના કેટલાક છોડ પર મધમાખીઓના મધપૂડા પણ હતા, જેને પોલીસે ધુમાડો કરીને દૂર કર્યા પછી છોડ કબજે કર્યા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરીને ધજાળા પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button