સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખાણોને કાયદેસર લીઝ આપવા મુખ્યમંત્રીને પત્ર, પૂર્વ MLA એ કરી માગ

અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાપક ખનીજ ખનન અને ચોરીને કાયદેસર કરવા માટે ચોટીલાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી. તેમણે ગેરકાયદેસર ખનીજ ખનનને કાયદેસર લીઝ આપી પરવાનગી આપવાની માગ કરી હતી, જેથી સરકારને રોયલ્ટીની આવક થાય અને બેરોજગાર મજૂરોને રોજગારી મળી શકે.
સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા, થાન અને મૂળી પંથકમાં મોટા પાયે ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું છે. સાયલામાં બ્લેક ટ્રેપ, થાનમાં કાર્બોસેલ અને મૂળીમાં સિલિકોનની ખનીજ ચોરી મોટા પ્રમાણમાં થાય છે.
પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન અને કર્ણાટક જેવા રાજ્યોમાં ગેરકાયદે ખાણોને કાયદેસર પરવાનગી આપવામાં આવી છે. આ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લીઝને કાયદેસર કરવાથી સરકારને મોટી રોયલ્ટી આવક થશે.
તેમણે ઉમેર્યું હતું કે, ગેરકાયદે ખાણો બંધ થવાથી અંદાજે 30,000 મજૂરો બેરોજગાર બન્યા છે. આ લીઝને કાયદેસર કરવાથી તેમને આર્થિક મદદ અને રોજગારી મળી શકશે.
ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા દ્વારા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદે ખાણો બંધ થઈ ગઈ છે. જોકે, કેટલાક ભૂમાફિયાઓ અને રાજકીય આગેવાનોની લોબી દ્વારા નાયબ કલેક્ટરની બદલી કરાવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું પણ ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું.
પૂર્વ ધારાસભ્યના જણાવ્યા અનુસાર, અગાઉ એક ખાડા દીઠ દોઢ લાખ રૂપિયાનો હપ્તો અપાતો હતો, જે હવે વધારીને બે લાખ રૂપિયા કરવાની પેરવી ચાલી રહી છે. તેમણે આ મામલે તંત્ર પર પણ પ્રહારો કર્યા હતા.


